વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી લાખો રૂપિયાની રોકડ તથા સોના-ચાંદીના દાગીના પડાવી લેનાર હાથસણી ગામના દિનેશ ઘોરીયા સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ : વીંછિયા પંથકમાં ગુરૂ અને સેવક વચ્ચેના પવિત્ર અને શ્રદ્ધાના સંબંધને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભજન અને સંતવાણીના કાર્યક્રમ થકી પરિચયમાં આવેલા એક કથિત ગુરૂએ પરિણતા અને તેના પતિને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા. “ગુરૂ અને સેવક વચ્ચે અંતર ભાંગવું પડશે” તેમ કહી આરોપીએ મહિલા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત ખરાબ વીડિયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દંપતી પાસેથી લાખોની રોકડ રકમ અને સોના-ચાંદીના કિંમતી દાગીના પડાવી લીધા હોવાની ફરિયાદ વીંછિયા પોલીસમાં નોંધાઈ છે.
આ ઘટનાની વિગત મુજબ, વીંછિયા પંથકમાં રહેતા દંપતીએ પોતાની વાડીએ ભજન-સંતવાણીનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં હાથસણી ગામના દિનેશ ધીરૂભાઈ ઘોરીયા (ઝાપડીયા) સાથે તેમનો પરિચય થયો હતો. દિનેશ અવારનવાર વાડીએ આવતો-જતો થતાં બંને પક્ષો વચ્ચે કૌટુંબિક સંબંધો બંધાયા હતા. દિનેશ ભજન-કિર્તન કરતો હોવાથી અને પોતાની જાતને જ્ઞાની દર્શાવી “દુનિયામાં જે છે તે હું જ છું” તેવી વાતો કરતો હોવાથી, દંપતીએ શ્રદ્ધાપૂર્વક તેને પોતાના ગુરૂ બનાવી ઉપદેશ લીધો હતો.
આશરે એકાદ વર્ષ પહેલાં જ્યારે દંપતી આરોપી દિનેશની વાડીએ ગયું ત્યારે તેણે પોતાનું પોત પ્રકાશ્યું હતું. આરોપીએ પરિણતાને “હવે હું તમારો ગુરૂ છું અને તારે મારી સાથે અંતર ભાંગવું પડશે, તારું શરીર મને સોંપી દેવું પડશે” તેમ કહી તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી અવારનવાર દંપતીના ઘરે આવીને તથા પોતાની વાડીએ કામકાજના બહાને બોલાવીને પરિણતા પર સતત દુષ્કર્મ આચરતો રહ્યો હતો.
દુષ્કર્મ આચરવાની સાથે આરોપીએ દંપતી પાસેથી આર્થિક લાભ મેળવવાનું પણ શરૂ કર્યું હતું. જ્યારે પણ પૈસાની જરૂર પડતી ત્યારે તે દંપતી પાસે રકમ માંગતો અને મારુતિ સુઝુકી વેગનઆર ગાડી ખરીદવા માટે પણ નાણાં લીધા હતા. રોકડ રકમ ન હોય ત્યારે દાગીના માંગતો હતો, જેના કારણે દંપતીએ તેને બે સોનાની વીંટીઓ તથા ચાંદીની લક્કી આપી દીધી હતી. આમ છતાં, આરોપીની લાલચ અટકી નહોતી.
આશરે ચારેક મહિના પહેલાં આરોપીએ પરિણતા પાસેથી સાડા ત્રણ તોલાનો સોનાનો હાર માંગ્યો હતો. પરિણતાએ હાર આપવાની ના પાડતાં આરોપીએ તેના મોબાઈલમાં રહેલા ખરાબ વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી હાર પડાવી લીધો હતો. બાદમાં દંપતીએ પોતાના દાગીના પાછા માગતાં, આરોપીએ તે વિંછીયા બેંકમાં ગીરવે મૂકી દીધાનું કહી દાગીના ભૂલી જવા જણાવ્યું હતું અને પોલીસ ફરિયાદ કરશે તો દંપતીને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. આખરે ભયમુક્ત થઈ દંપતીએ વીંછિયા પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


