સોમવાર, નવેમ્બર 23, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટની મહિલા સાથે ફેસબૂક ફ્રેન્ડ અમદાવાદના શખસનું લગ્નની લાલચે 6 વર્ષ સુધી...

રાજકોટની મહિલા સાથે ફેસબૂક ફ્રેન્ડ અમદાવાદના શખસનું લગ્નની લાલચે 6 વર્ષ સુધી દુષ્કર્મ અને શોષણ

પતિથી અલગ રહેતી 40 વર્ષીય મહિલાના બે સંતાનોને અપનાવવાની ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીની શોધખોળ

રાજકોટ : રાજકોટમાં પતિથી અલગ રહેતી 40 વર્ષીય મહિલા સાથે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ ફેસબુકના માધ્યમથી મહિલા સાથે પરિચય કેળવ્યા બાદ લગ્ન કરવાની અને તેના બંને સંતાનોને સાચવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ છ વર્ષ સુધી અલગ-અલગ હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આખરે લગ્નનો ઇનકાર કરતા ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

​રાજકોટ શહેરમાં રહેતી 40 વર્ષીય મહિલાએ અમદાવાદના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો અનુસાર, પતિથી અલગ રહેતી આ મહિલાનો પરિચય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને હેર કટિંગનો વ્યવસાય કરતા 31 વર્ષીય જિગ્નેશ મનસુખ બગથરીયા સાથે થયો હતો. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીત અને મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ આરોપીએ મહિલાની અંગત પરિસ્થિતિનો લાભ ઉઠાવી તેને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું અને તેની સાથે નિકટતા વધારી હતી.

​આરોપી જિગ્નેશ બગથરીયાએ મહિલાને વિશ્વાસમાં લેવા માટે તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી. માત્ર એટલું જ નહીં, મહિલાના અગાઉના લગ્નથી થયેલા બંને સંતાનોને પણ પિતા તરીકે અપનાવી લેવાનું અને તેમનો ઉછેર કરવાની જવાબદારી લેવાનું વચન આપ્યું હતું. આ પ્રકારના વચનોથી મહિલાએ આરોપી પર ભરોસો મૂક્યો હતો. આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી આરોપીએ જૂન-2020થી લઈને આજદિન સુધીના છ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

​સમગ્ર ઘટનાક્રમ દરમિયાન આરોપી મહિલાને અવારનવાર રાજકોટના ભુતખાના ચોક પાસે આવેલી આર.આર. હોટલ સહિતના અન્ય સ્થળોએ લઈ જતો હતો અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હતો. લાંબા સમય સુધી આ સિલસિલો ચાલ્યા બાદ મહિલાએ જ્યારે લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ ઠાગાઠૈયા શરૂ કર્યા હતા. અંતે આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દેતા મહિલાને પોતાની સાથે વિશ્વાસઘાત અને શોષણ થયું હોવાનું જણાયું હતું, જેથી તેણે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

​પીડિત મહિલાએ આ મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી સમગ્ર હકીકત વર્ણવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી જિગ્નેશ મનસુખ બગથરીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 મુજબ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા અને દુષ્કર્મ આચરવા બદલ ગુનો દાખલ કર્યો છે. હાલ ભક્તિનગર પોલીસની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અમદાવાદ સહિતના સંભવિત સ્થળોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર