મૃતક 26 વર્ષીય ભારતીબેનનું પિયર કંધેવાડીયા ગામમાં, 4 વર્ષ પહેલા લગ્ન થયા’તા : દોઢ વર્ષ પહેલા પતિ સાગરને પેરાલીસીસનો હુમલો થતા આર્થિક ભીંસ અને ભવિષ્યની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક અનુમાન : રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બંને મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું
રાજકોટ : જસદણ તાલુકાના ગોડલાધાર ગામે 26 વર્ષીય પરિણીતાએ પોતાની 10 માસની પુત્રી સાથે વાડીના કૂવામાં પડતું મૂકી આપઘાત કરી લીધો છે. પતિને પેરાલીસીસની અસર થતા ઉભી થયેલી આર્થિક તંગી અને ભવિષ્યની ચિંતામાં આ પગલું ભર્યાનું અનુમાન છે. જસદણ પોલીસે બંને મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આવેલા ગોડલાધાર ગામે એક પરિણીતાએ પોતાની માસૂમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોડલાધાર ગામે રહેતા ભારતીબેન સાગરભાઈ ડાભી (ઉંમર 26 વર્ષ) ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાની 10 માસની પુત્રી જેનીશા સાથે વાડીએ હાજર હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ભારતીબેને પોતાની પુત્રીને સાથે રાખી વાડીમાં આવેલા ઊંડા કૂવામાં પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસની વાડીઓમાં કામ કરતા ખેડૂતો, મજૂરો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
કૂવામાં પડેલા માતા અને પુત્રીને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી, પરંતુ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં બંનેના મોત નીપજ્યા હતા. બનાવ અંગે જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ બાદ માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ જસદણ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી પૂર્ણ કરી બંને મૃતદેહોને વિશેષ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં આ પગલા પાછળના કારણો અંગે મહત્વની વિગતો બહાર આવી છે. મૃતક ભારતીબેનના પતિ સાગરભાઈને દોઢ વર્ષ અગાઉ મગજમાં ગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. તે સમયગાળા દરમિયાન સાગરભાઈને પેરાલીસીસનો હુમલો આવતા તેમના શરીરનું એક તરફનું આખું અંગ નિષ્ક્રિય થઈ ગયું હતું. પતિની સારવાર પાછળ થયેલા મોટા ખર્ચને કારણે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી પડી હતી, જેના લીધે ભારતીબેન સતત ચિંતામાં રહેતા હતા.
આર્થિક સંકડામણ અને પરિવારના ભવિષ્યની ચિંતાને કારણે ભારતીબેને આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક ભારતીબેનનું પિયર વિંછીયા તાલુકાના કંધેવાડીયા ગામે આવેલું છે અને ચાર વર્ષ પૂર્વે જ તેમના લગ્ન સાગરભાઈ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં એકમાત્ર પુત્રી જેનીશા હતી. હાલ જસદણ પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી પરિવારજનોના નિવેદનો નોંધવાની અને બનાવની સચોટ હકીકત જાણવાની કાર્યવાહી શરૂ કરી છે.


