ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઈડેન પ્રશાસન પર સાધી એફએએ વ્યવસ્થાને આપત્તિ ગણાવી : એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અપગ્રેડ કરવા કોંગ્રેસ પાસે ભંડોળની માંગ કરી
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : અમેરિકામાં વિમાન સેવાઓનું સંકટ ત્રીજા દિવસે પણ યથાવત્ રહ્યું છે. ફ્લાઇટ્સના સંચાલનમાં ભારે વિક્ષેપ પડતાં વધુ લગભગ ૨,૦૦૦ જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે લાખો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હવાઈ સંકટ માટે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્ર અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની નબળી કામગીરીને સીધી રીતે જવાબદાર ઠેરવી હવાઈ સેવાઓને દુરસ્ત કરવા માટે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અપગ્રેડ કરવા કોંગ્રેસ પાસે ભંડોળની માંગ કરી હતી.
અમેરિકામાં છેલ્લા ત્રણ દિવસથી હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એફએએની વર્તમાન વ્યવસ્થાને આપત્તિ સમાન ગણાવી હતી. તેમણે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસન દરમિયાન જે પ્રકારે કામગીરી થઈ તેના કારણે જ આ ગંભીર સંકટની સ્થિતિ ઊભી થઈ છે. તેમણે અમેરિકન સંસદ સમક્ષ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના આધુનિકીકરણ અને તેને બહેતર બનાવવા માટે તાત્કાલિક જરૂરી ભંડોળ ફાળવવાની માંગ કરી છે.એવિએશન ટ્રેકિંગ વેબસાઇટ ‘ફ્લાઇટઅવેર’ના ડેટા મુજબ, શનિવારે સાંજ સુધીમાં સમગ્ર અમેરિકામાં ૬,૧૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી અને ૭,૩૦૦થી વધુ મોડી પડી હતી. આ અગાઉ શુક્રવારે પણ ૯,૨૦૦ ફ્લાઇટ્સ રદ થઈ હતી અને ૭,૫૦૦ ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. રવિવાર માટે નિર્ધારિત ૫૩૦થી વધુ ફ્લાઇટ્સ પણ અગાઉથી જ રદ કરી દેવામાં આવી હતી. શુક્રવારથી અત્યાર સુધીમાં કુલ ૨૦ હજારથી વધુ ફ્લાઇટ્સને અસર થઈ છે.
શુક્રવારે લગભગ પાંચ કલાક સુધી હવાઈ ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો, જેની પાછળ રાઉટરમાં સર્જાયેલી ખામી મુખ્ય કારણ હોવાનું મનાય છે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી કોન્ટ્રાક્ટર કંપની એલ-3 હેરિસ દ્વારા જૂના તાંબાના વાયરોની જગ્યાએ ફાઈબર ઓપ્ટિક કેબલ લગાવવાનું નિયમિત મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ખામી સર્જાઈ હતી. પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ જણાવ્યું હતું કે અરકાનસાસ અને ટેક્સાસમાં લગાવેલા રાઉટરમાં ગડબડ હોવાની આશંકા છે. હાલ તપાસ ચાલી રહી છે કે આ ખામી કર્મચારીઓની ભૂલ હતી, ઇન્સ્ટોલેશનમાં ચૂક હતી કે રાઉટર જ ખામીયુક્ત હતું તે તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.


