શુક્રવાર, નવેમ્બર 13, 2026

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયયુએઈમાં બેકાબૂ ટ્રક અનેક વાહનો સાથે અથડાતા ભારતીયો સહિત 14 લોકોના મોત,...

યુએઈમાં બેકાબૂ ટ્રક અનેક વાહનો સાથે અથડાતા ભારતીયો સહિત 14 લોકોના મોત, 30 ઘાયલ

ટક્કર બાદ વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી : મૃતકો અને ઘાયલોમાં ભારતીય નાગરિકો હોવાની દૂતાવાસની પુષ્ટિ

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં શેખ ખલીફા બિન જાયદ સ્ટ્રીટ પર એક બેકાબૂ ટ્રક અનેક વાહનો સાથે ધડાકાભેર અથડાતાં 14 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. યુએઈ સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે આ ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનાર અને ઘાયલ થયેલા લોકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે.

સંયુક્ત આરબ અમીરાતના ગૃહ મંત્રાલય દ્વારા એક્સ પર માહિતી આપવામાં આવી હતી કે આ દુર્ઘટના ફુજૈરાહના પ્રવેશદ્વાર પાસે મધ્યરાત્રિના થોડા સમય પહેલાં બની હતી. જેમાં એક ટ્રક ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા ટ્રક પહેલાં એક વાહન સાથે અથડાઈને પલટી ખાઈ ગયો હતો. ત્યારબાદ તે ધીમી ગતિએ ચાલી રહેલા કે ઊભા રહેલા અન્ય વાહનો સાથે જઈને ટકરાયો હતો. ફુજૈરાહ પોલીસના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં આગ લાગી ગઈ હતી, અને જોતજોતામાં અન્ય વાહનોને પણ લપેટમાં લઈ લીધા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની વિશેષ ટીમો, એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ ટીમ અને સિવિલ ડિફેન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બચાવ ટીમે ભારે જહેમત બાદ આગ બુઝાવી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, 30 ઘાયલોમાંથી 15 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય 15 ની સારવાર હજુ ચાલુ છે. અકસ્માતનો ભોગ બનનારાઓમાં ભારત ઉપરાંત યુએઈ, ઓમાન, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઈજિપ્તના નાગરિકો પણ સામેલ છે. આગના કારણે મૃતદેહોની હાલત ખરાબ હોવાથી કેટલાક મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવામાં આવી રહી છે.ફુજૈરાહ પોલીસે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાવવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર