આઝાદ સંદેશ) નવી દિલ્હી : અમેરિકી પ્રતિબંધો અને નાકાબંધીને ઈરાન હવે માત્ર આર્થિક દબાણ નહીં, પરંતુ સીધી રીતે યુદ્ધની કાર્યવાહી તરીકે જોઈ રહ્યું છે. તેહરાનના આંતરરાષ્ટ્રીય બાબતોના સંશોધક મોહસેન ફરખાનીએ સ્પષ્ટ કર્યું છે કે વોશિંગ્ટનનું આ પગલું માત્ર આર્થિક દબાણ નથી, પરંતુ સીધું યુદ્ધનું એલાન છે અને જ્યારે પાબંદીઓ યુદ્ધ જેવી હોય, ત્યારે ઈરાને પણ તેનો જવાબ આપવો જ પડશે. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમેરિકાના કડક વલણ છતાં ચીન અને તુર્કિયે જેવા અગ્રણી દેશો તેહરાન સાથેના વેપારી અને રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે ખતમ નહીં કરે.
તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત દ્વારા ઈરાન સાથેનો વેપાર ઘટાડવા મુદ્દે ફરખાનીએ જણાવ્યું હતું કે, આ પગલું માત્ર અમેરિકન દબાણ હેઠળ લેવાયું છે. ઈરાન અને યુએઈ સદીઓ જૂના પડોશીઓ હોવાથી તેમના સંબંધો સંપૂર્ણપણે ખતમ કરવા અશક્ય છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ સમક્ષ પોતાની છબી યોગ્ય જાળવી રાખવા ઈરાને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય નિયમોના દાયરામાં રહીને અત્યંત સંયમપૂર્વક કામ લીધું છે.ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વરિષ્ઠ નેતા મોહસેન રજાઈએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે જો અમેરિકા કોઈ પણ દુસ્સાહસ કરશે, તો ઈરાન વળતો પ્રહાર કરશે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે વળતા જવાબમાં તેઓ ફારસની ખાડીમાં હોર્મુઝના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા તેલના તમામ વૈકલ્પિક દરિયાઈ માર્ગોને નિશાન બનાવશે.ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને જણાવ્યું હતું કે જૂનમાં થયેલા સમજૂતી કરાર યુદ્ધ નહીં, શાંતિ નહીંની સ્થિતિમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ માર્ગ હતો, પરંતુ તેની 60 દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને હજુ સુધી કોઈ નવો સંકેત મળ્યો નથી. બીજી તરફ, અમેરિકી સેનાનો દાવો છે કે તેમની નાકાબંધીને કારણે ઈરાન તરફ જતા 70 જેટલા વ્યાપારી જહાજોના રૂટ બદલવામાં આવ્યા છે, જ્યારે ત્રણ જહાજોને નિષ્ક્રિય કરી દેવાયા છે. આ બંને દેશોના આક્રમક વલણથી ખાડી દેશોમાં તેલ પુરવઠા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર સંકટના વાદળો ઘેરાયા છે.


