મોઢા પર કપડું બાંધીને બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગ્રેનેડ ફેંકી પલાયન થઇ ગયા
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર એક કિલોમીટર દૂર આવેલા રમદાસ વિસ્તારના જટ્ટા ગામમાં ગુરુવારે મોડી રાત્રે એક ઘર પર ગ્રેનેડ હુમલો થતાં અફરાતફરી મચી ગઈ છે. આ બ્લાસ્ટમાં ઘરના કાચ તૂટી ગયા હતા અને પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, મોઢા પર કપડું બાંધીને બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલ રમદાસ વિસ્તારમાં ગઈકાલે બાઈક પર આવેલા હુમલાખોરોએ ઘરની અંદર ગ્રેનેડ ફેંક્યો હતો, જેના કારણે ભયાનક ધડાકો થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે ઘરના બારી-બારણા અને આંગણામાં પાર્ક કરેલી કારના કાચ તૂટી ગયા હતા. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.અચાનક થયેલા ધડાકાના અવાજથી આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ હુમલા પાછળ કોઈ અંગત અદાવત છે કે પછી કોઈ સંગઠિત ગુનાહિત ષડયંત્ર, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ મજીઠિયાએ આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરીને પંજાબ સરકારની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પ્રશાસન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, હવે પંજાબના લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. પહેલાં પોલીસ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવતા હતા અને હવે લોકોના ઘરોમાં ગ્રેનેડ ફેંકવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે.


