રાજકોટ : રાજકોટ શહેરમાં મિલકત સંબંધી અણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા અને ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, નાયબ પોલીસ કમિશનર જગદીશ બંગારવા અને મદદનીશ પોલીસ કમિશનર બી. બી. બસીયા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર અને સી. એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટુકડીઓ વિશિષ્ટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગહન તપાસ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરીને પોલીસે સને ૨૦૧૨ની સાલમાં બનેલી ૧૨ લાખ રૂપિયાની લૂંટના બનાવનો સફળતાપૂર્વક પર્દાફાશ કરી ત્રણ રીઢા આરોપીઓને દબોચી લીધા છે.
બનાવની વિગત મુજબ, વર્ષ ૨૦૧૨માં રાજકોટના હોસ્પિટલ ચોક પાસે આવેલી ઠાકર હોટલ પાછળની શેરીમાં લૂંટનો સનસનાટીભર્યો બનાવ બન્યો હતો. ગ્રોસરીના હોલસેલ વેપારી અને ‘જે. કે. એન્ટરપ્રાઇઝ’ના માલિક હાતીમભાઈ વ્હોરા પોતાના ધંધાના રોકડા રૂપિયા ૧૨,૦૦,૦૦૦ ભરેલી બેગ પોતાના એક્ટિવા મોટરસાઇકલના આગળના ભાગે રાખીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ શખસોએ હાતીમભાઈના એક્ટિવા આગળ પોતાનું વાહન આડું ઊભું રાખી રસ્તો રોકી લીધો હતો. આરોપીઓએ અચાનક જ વેપારીની આંખોમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી અને મોઢાના ભાગે મુક્કા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
આંખોમાં તીવ્ર બળતરા અને અચાનક થયેલા હુમલાથી ગભરાઈ ગયેલા વેપારી કંઈ સમજે તે પહેલાં જ આરોપીઓ ૧૨ લાખ રૂપિયા ભરેલી બેગ આંચકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૯૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો, પરંતુ આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યા હતા.
દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એસ. એમ. રાણા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડા અને ધર્મરાજસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોપટપરા વિસ્તારમાં કૈલાશધામ સ્મશાન સામે આવેલા કોમર્શિયલ કૉમ્પ્લેક્સના પાર્કિંગમાંથી શંકાસ્પદ હાલતમાં ઊભેલા ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. કડક પૂછપરછમાં ત્રણેયે ૧૪ વર્ષ જૂની આ લૂંટની કબૂલાત કરી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં અબઝલ ઉર્ફે સદ્દામ અહમેદભાઈ દલવાણી (ઉં.વ. ૩૭, રહે. પોપટપરા), રાકેશ ઉર્ફે બીટ્ટુ ચંદ્રકાંતભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૧, રહે. પોપટપરા) અને ઇકબાલ ભીખુભાઈ શેખ (ઉં.વ. ૪૦, રહે. રેલનગર)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૫૦૦ના દરની ૫૦૦ ચલણી નોટો મળી કુલ ૨,૫૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.
તપાસમાં ત્રણેય આરોપીઓનો ગંભીર ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. મુખ્ય આરોપી અબઝલ ઉર્ફે સદ્દામ સામે પ્રદ્યુમન નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી, ચોરી, દારૂબંધી, જાહેરનામા ભંગ અને તાજેતરમાં બીએનએસ હેઠળ ગુના નોંધાયેલા છે. રાકેશ ઉર્ફે બીટ્ટુ સામે જૂનાગઢના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુના નોંધાયેલા છે, જ્યારે ઇકબાલ શેખ સામે પ્રદ્યુમન નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જુગારધારાના ૩ ગુના નોંધાયેલા છે.
૧૪ વર્ષ જૂના આ જટિલ કેસનો ઉકેલ લાવવામાં પીઆઈ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઈ એસ. એમ. રાણા તેમજ એએસઆઈ અનીલભાઈ સોનારા, મહેશભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ મેણીયા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, ગિરિરાજસિંહ જાડેજા, સુભાષભાઈ ઘોઘારી, લાલજીભાઈ હાડગરા અને કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા તથા મનનકુમાર મારવિયાએ પ્રશંસનીય કામગીરી કરી હતી.


