પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયા અને ટીમે આઠેક આરોપીઓને ઝડપી લઈ ૨૧ હથિયારો અને ૩૨ કારતૂસ કબ્જે કર્યા
રાજકોટ : રાજકોટ શહેરમાં આગામી અષાઢી બીજની રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા માટે શહેર પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ પીસીબીને વધુ એક મહત્વની સફળતા મળી છે.જેમાં ગેરકાયદેસર દેશી હથિયારોના વેપાર સાથે સંકળાયેલા ‘વેપન કાર્ટેલ’ સામે કાર્યવાહી આગળ વધારતાં પીસીબીએ વધુ બે આરોપીઓને ઝડપી તેમની પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્ટલ અને બે જીવતા કારતૂસ કબજે કર્યા છે. હાલ આ કેસમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી 21 દેશી હથિયારો અને 32 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાંથી મહત્વની માહિતી સામે આવી હતી. તપાસમાં આરોપી પ્રદીપભાઈ કરપડાએ ગેરકાયદેસર દેશી હથિયાર આરીફ ગફારભાઈ પઠાણને આપ્યાનું કબૂલ્યું હતું, જ્યારે અન્ય આરોપી સકીલ સાદિક મન્સૂરીએ દેશી હથિયારો જયપાલ રાજેશભાઈ ડેડાણીયાને પહોંચાડ્યાની માહિતી આપી હતી. આ બાતમીના આધારે પીસીબીએ કાર્યવાહી કરી બંને આરોપીઓને દેશી પિસ્ટલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પકડાયેલા આરોપીઓમાં આરીફ ગફારભાઈ પઠાણ (ઉ.વ. 34), રહેવાસી ગંજીવાડા મેઈન રોડ, રાજકોટ તથા જયપાલ રાજેશભાઈ ડેડાણીયા (ઉ.વ. 29), રહેવાસી વેલનાથપરા, રાજકોટનો સમાવેશ થાય છે. બંને પાસેથી ત્રણ દેશી પિસ્ટલ અને બે જીવતા કારતૂસ મળી કુલ રૂ. 30,200 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી આરીફ ગફારભાઈ પઠાણ વિરુદ્ધ અગાઉ સાયબર ક્રાઇમ, હત્યાના પ્રયાસ, મારામારી, એટ્રોસિટી, ધમકી, મની લેન્ડિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે જયપાલ રાજેશભાઈ ડેડાણીયા વિરુદ્ધ પણ મારામારી, પ્રોહિબિશન અને અન્ય ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર સફળ કામગીરી પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સાથોસાથ શહેરમાં ગેરકાયદેસર હથિયારોના વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા હથિયારોનું સપ્લાય ચેઇન સંપૂર્ણપણે તોડી પાડવા માટે તપાસ હજુ પણ આગળ ધપાવવામાં આવી રહી છે જેને લઈ આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.


