રાજકોટ : રાજકોટમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા નિર્દોષ લોકોને માનસિક ત્રાસ આપવાનો એક ગંભીર સાયબર ક્રાઇમનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસે દેવેન પંત નામના શખ્સ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની વિગત મુજબ, રાજકોટની એક સંસ્થા સાથે જોડાયેલા બે વયોવૃદ્ધો સાથે આરોપી દેવેન પંતને કોઈ કારણોસર અંગત રાગદ્વેષ ઊભો થયો હતો. આ વૈમનસ્યનો બદલો લેવા માટે આરોપીએ અત્યંત હલકી મનોવૃત્તિ દર્શાવીને બંને વૃદ્ધોના અંગત ફોન નંબર ટેલિગ્રામની અશ્લીલ અને વલ્ગર સાહિત્ય પીરસતી ચેનલ્સ તથા ગ્રુપ્સમાં વાયરલ કરી દીધા હતા. આટલું જ નહીં, તેણે તે નંબરો સાથે ‘આ કોલગર્લના નંબર છે’ તેવી ખોટી અને અશોભનીય લખાણવાળી પોસ્ટ મૂકી હતી. આના પરિણામે અજાણ્યા શખ્સો દ્વારા બંને વૃદ્ધોને સતત ફોન કરીને અશ્લીલ વાતો અને સેક્સ માટેના ભાવતાલ પૂછીને માનસિક રીતે ભારે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા.
આટલેથી ન અટકતા, આરોપીએ બદલાની નીતિ હેઠળ બંને વૃદ્ધોના નામ, ફોન નંબર અને ઘરના સરનામાનો દુરુપયોગ કરીને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ફેક એકાઉન્ટ્સ કે ઓર્ડર ક્રિએટ કર્યા હતા. વૃદ્ધોના સરનામે સતત અણધાર્યા પાર્સલો આવવા લાગ્યા હતા અને તેમના મોબાઈલ પર સતત ઓટીપી આવતા હતા, જેનાથી વૃદ્ધો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આ મામલે તપાસ કરતા સમગ્ર કાળો કારોબાર દેવેન પંતે જ રચેલો હોવાનું ખુલ્લું પડ્યું હતું. આખરે ૬૫ વર્ષીય ભોગ બનેલા વૃદ્ધે હિમ્મત દાખવી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સીધી સૂચના હેઠળ પીઆઈ એમ. ડી. ગઢવી તથા તેમની ટીમે આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


