શ્રમિક પરિવારના તરુણ સાથે થયેલી અમાનવીય ઘટના અંગે પડધરી પોલીસે તપાસ શરૂ કરી : મેડિકલ ચેકઅપ માટે સગીરને રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
રાજકોટ : રાજકોટ-જામનગર હાઈવે ઉપર આવેલ પડધરી તાલુકાના ખંઢેરી ગામે સાત વર્ષના એક માસૂમ બાળક સાથે શારીરિક અડપલાં અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની શરમજનક ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાથમિક વિગતો મુજબ, આ અમાનવીય બનાવ ત્રણેક દિવસ પહેલાં બન્યો હતો જ્યારે શ્રમિક પરિવારનો માસૂમ બાળક સ્થાનિક એક કંપનીના પરિસરમાં રમી રહ્યો હતો. તે જ સમયે શિવા નામના શખ્સે બાળકને પટાવી-ફોસલાવી પોતાની હવસનો ભોગ બનાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
બનાવ બાદ બાળક અત્યંત ભયભીત થઈ ગયો હતો અને આઘાતના કારણે કાંઈ પણ બોલવાની સ્થિતિમાં નહોતો. બાળકની શારીરિક અને માનસિક સ્થિતિ પરથી મામલો પ્રકાશમાં આવતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે તાત્કાલિક માસૂમ બાળકને વધુ સારવાર અને જરૂરી તબીબી તપાસ અર્થે રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હોસ્પિટલ પહોંચેલા બાળકના પિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે અને માસૂમ બાળકની માનસિક પરિસ્થિતિ ભારે લથડી છે.
આ બનાવ અંગેની જાણ થતાં જ પડધરી પોલીસનો કાફલો તાત્કાલિક ઝનાના હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. તબીબોની ટીમ દ્વારા બાળકનું મેડિકલ ચેકઅપ અને જરૂરી શારીરિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ઘટના અંગે વધુ કાનૂની વિગતો સ્પષ્ટ થશે. બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી શિવા નામના શખ્સને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવીને જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે તેવી માગણી ઊઠી રહી છે.


