નવી દિલ્હી : નેપાળ સરકાર દ્વારા ચાલુ વર્ષના ઓગસ્ટ મહિનામાં આવેલી વિનાશક ફ્લેશ ફ્લડ (પૂર) ની હોનારતમાં ગુમ થયેલા 213 ભારતીય નાગરિકોને ‘મૃત’ જાહેર કરવા માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે નેપાળ સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા બુધવાર (25 નવેમ્બર 2026) ના રોજ એક સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને જાણકારી આપવામાં આવી છે.
નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) એ ઓગસ્ટ મહિનાથી લાપતા 213 ભારતીય નાગરિકોને મૃત જાહેર કરવા માટેની સંભવિત યાદી પોતાની સત્તાવાર વેબસાઈટ પર મૂકી છે. આ યાદીમાં કોઈ સુધારો, વધારો, ઘટાડો કે વાંધા-સૂચનો રજૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
જો ગુમ થયેલા ભારતીયોના પરિવારજનોને આ યાદી સંબંધિત કોઈ વાંધો, સૂચન કે વિગતોમાં સુધારો કરાવવો હોય તો તેઓ 2 ડિસેમ્બર 2026 સુધીમાં કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીનો સંપર્ક કરી શકે છે. પરિવારજનો નીચે મુજબના માધ્યમથી સંપર્ક સાધી શકશે:
ઈમેઈલ: eoikathmandufloodsupport@gmail.com
મોબાઈલ નંબર: +9779851316807
વાંધા-સૂચનો મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નેપાળ સરકાર આ યાદીને આખરી આકાર આપશે અને ઔપચારિક રીતે મૃત્યુની ઘોષણા કરશે. ત્યારબાદ ભારતીય એમ્બેસી સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી આ વ્યક્તિઓના ડેથ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ દરમિયાન એમ્બેસી પરિવારજનો પાસેથી વધારાની વિગતો કે દસ્તાવેજો માંગી શકે છે.
26 ઓગસ્ટ 2026 ના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક હિમખંડ અને ખડકો ધસી પડવાને (Ice-Rock Avalanche) કારણે ટ્રિશુલી-ભોટે કોશી નદી પ્રણાલીમાં ભયાનક પૂર આવ્યું હતું. આ જળપ્રલયમાં ઉત્તરીય અને મધ્ય નેપાળના અનેક ગામડાં અને શહેરો તારાજ થઈ ગયા હતા. NDRRMA ના આંકડા અનુસાર, આ હોનારતમાં ઓછામાં ઓછા 1453 લોકોના મોત થયા હતા, જ્યારે 5000 થી વધુ લોકો લાપતા થયા હતા.


