દોશી હોસ્પિટલ પાસે પંચશીલ મેઈન રોડ ઉપર રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા હાર્દિકભાઈ શિયાણીની અમદાવાદની મેડાર્ટ કંપનીના માલિક રાજ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ : ડીસીબીએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
રાજકોટ : રાજકોટમાં વધુ એક વખત આઇપીઓમાં રોકાણના બહાને છેતરપિંડીની ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીને અમદાવાદ તેમના મિત્ર મારફત મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલ સાથે સંપર્ક થયો હતો. જેને વેપારીને વિશ્વાસમાં લઇ લાખોની કિંમતના અલગ અલગ બે ટ્રાન્ઝેક્શન કરી બાદમાં આઇપીઓમાં રોકાણ કરવા બહાને રૂ.1 કરોડ પડાવી લઇ પરત ન કરતા આખરે તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના આધારે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ મેડાર્ટ કંપનીના ઓનર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગોંડલ રોડ ઉપર દોશી હોસ્પિટલ પાસે પંચશીલ મેઈન રોડ પર આવેલ સ્ટેટ્સ-૨ બિલ્ડીંગમાં રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી હાર્દીકભાઈ કિશોરભાઇ શીયાણીએ રાજકોટ ડીસીબી ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.04.08.2026ના રોજ અમદાવાદ રહેતા મારા મિત્ર પાર્થ દોશીએ મને જણાવ્યું હતું કે મારા મિત્ર રાજ પટેલ તમને ફોન કરશે તેઓ શેર બજારમા ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને તેઓ મોટા આઇપીઓમાં રૂપિયા રોકાણ કરાવે છે જેમાં સારૂ વળતર આપે છે. આ પછી બપોરના 3.14 વાગ્યે મારા વોટસએપ ઉપર ફોન આવ્યો હતો.
ફોનમાં રાજકુમાર પટેલએ પોતે સ્વીચ ઇલેકટ્રીક બાઇક કંપનીનો ઓનર છુ કહેતા “મે કહ્યું કે હા મને પાર્થભાઈ દોશીએ તમારો રેફરન્સ આપ્યો છે તમે શેર બજારમા રોકાણ કરાવો છો તેમ પાર્થભાઈએ મને વાત કરી છે મારે પણ શેર બજારમા રૂપિયાનુ રોકાણ કરવું છે, જો સારી કંપનીના આઇપીઓ હોય તો મારે રોકાણ કરવુ છે” જેથી આ રાજકુમારએ કહ્યું કે હાલમા કોઇ રોકાણ કરવા જેવુ નથી કોઇ સારી કંપનીનો આઇપીઓ આવશે તો હુ તમને જાણ કરીશ. તમે અમદાવાદ બાજુ નીકળો તો મારી પાસે આવજો આમ અમારે પ્રથમ વખત વાતચીત થઇ હતી.
ત્યારબાદ મને વિશ્વાસ અપાવવા રાજ પટેલે મારી સાથે એક વખત રૂ.32.50 લાખ અને બીજી વખત રૂ.50 લાખની લેવડ દેવડ થઇ હતી. અને બાદમાં 18 સપ્ટેમ્બર 2026ના બપોરના 1.25 વાગ્યે રાજકુમારનો ફોન આવ્યો જેમાં કહ્યું કે “હમણા મોટી કંપનીનો આઇપીઓ આવવાનો છે જેમા રૂ.1 કરોડનુ રોકાણ કરવા જેવુ છે તમે મને 2 કલાક પુરતા રૂપિયા આપો જેથી રાજકુમાર પટેલને મે 2.50 વાગ્યે રૂ.1 કરોડ વછરાજ એન્ટરપ્રાઇઝ પેઢીના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી રાજકુમાર પટેલની મેડાર્ટ કંપનીના એકાઉન્ટમા આરટએસથી ટ્રાન્સફ૨ કર્યા હતા જે રૂપિયા તેઓને મળી ગયા હતા.
ત્યારબાદ સાંજના 5 વાગ્યાની આસપાસ રાજકુમારને ફોન કરતા તેઓ મારા ફોન ઉપાડતા ન હતા જેથી મે તેઓને મેસેજ કરી ફોન કરવાનુ કહેતા થોડીવાર બાદ રાજકુમારનો ફોન આવ્યો જેથી મેં મારા રૂ.1 કરોડની માંગણી કરતા તેણે કહ્યું કે હાલમા મારા એકાઉન્ટમા પુરતા રૂપિયાનુ બેલેન્સ નથી હુ તમને રોકડા રૂ.1 કરોડ આપી દઉ છુ તમે મારા માણસ પલ્કેશભાઈ સાથે વાતચીત કરી લો. પલ્કેશભાઇને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહિ બાદ થોડીવાર પછી પલ્કેશભાઇનો ફોન આવ્યો જેથી મે કહ્યું કે રાજભાઇએ તમારી પાસેથી મારા રૂ.1 કરોડ રોકડા આપવાનુ કહ્યું છે તો પલ્કેશભાઇએ કહ્યું કે હાલ હુ ગાંધીનગર રૂપિયા લેવા આવ્યો છું મારા હાથમા રૂપિયા આવે એટલે તમને કોલ કરૂ છું. જેથી મે ઘણીવાર રાહ જોઈ પરંતુ પલ્કેશભાઈનો ફોન આવ્યો નહિ જેથી મે રાજકુમારને ફોન કરતા રાજકુમારએ મને ફોનમાં કહ્યું કે રૂપિયા શેર બજારના આઇપીઓમાં રોકાણ થયા નથી. તમને તમારા રૂપિયા મળી જશે જેથી મે રાત સુધી રાહ જોઈ પરંતુ મને મારા રૂપિયા નહિ મળતા ફરીવાર મે રાજકુમારને વોટસએપમા મેસેજ કર્યો કે મારા રૂપિયા મને મળ્યા નથી.
ત્યારબાદ બીજા દિવસે પણ રાજકુમારને આખો દિવસ ફોન કર્યા પરંતુ કોઇ જવાબ આપ્યો નહિ કે મારા રૂપિયા પરત આપ્યા નહિ. તેના માણસ પલ્કેશભાઇએ મને મેસેજ કરીને કહ્યું કે સર વ્યસ્ત છે અમારા ઉપર ઇન્કમ ટેક્ષની રેઇડ પડી છે તો શાંત થવા દેવુ પડશે ત્યારબાદ રોજે રોજ રાજકુમાર પટેલને હુ ફોન કરતો હતો પરંતુ તે મારા ફોન ઉપાડતો ન હતો. જેથી મારી સાથે આઇપીઓમાં રોકાણના બહાને ફ્રોડ થયાની જાણ થતા ફરિયાદ નોંધાવી છે જેને લઇ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ મેડાર્ટ કંપનીના ઓનર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


