ગુરુવાર, નવેમ્બર 19, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવીંછિયાના નાના માત્રામાં કપાસની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ

વીંછિયાના નાના માત્રામાં કપાસની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ

રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી રૂ. ૭.૭૦ લાખની કિંમતના ૩૯ લીલા છોડ કબજે કરી એક શખ્સની અટકાયત કરી

રાજકોટ : ​રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના નાના માત્રા ગામની સીમમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદે રીતે ઉગાડવામાં આવેલા માદક પદાર્થ ગાંજાના જથ્થાને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૭,૭૦,૦૦૦ની કિંમતના ૧૫ કિલો ૪૦૦ ગ્રામ વજનના ગાંજાના ૩૯ લીલા છોડ કબજે કરી આરોપી લખમણ દાનાભાઈ ગરાંભડીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહિબિશન, જુગાર અને એન.ડી.પી.એસ. સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ અને ટીમના સભ્યો હ્યુમન સોર્સ દ્વારા બાતમીદારો પાસેથી માહિતી મેળવી તેનો અભ્યાસ કરી રહ્યા હતા.

​આ દરમિયાન ટીમના વકારભાઈ અરબ અને ભોજાભાઈ ત્રમટાને સંયુક્ત બાતમી મળી હતી કે નાના માત્રા ગામની ઉગમણી સીમમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ચોક્કસ હકીકતના આધારે પી.એસ.આઈ. બી.સી. મિયાત્રા અને રેન્જ સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજુભાઈ પઢેરીયા, અતુલભાઈ ડાભી, દિવ્યેશભાઈ સુવા, નિકુલભાઈ પંપાણીયા, રવીરાજસિંહ વાળા, હિતેષભાઈ જોગરાણા, ડ્રાઈવર ગોવિંદભાઈ રબારી તેમજ વિંછીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.સી. ડામોર અને સ્થાનિક પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો.

​પોલીસે નાના માત્રા ગામની ઉગમણી સીમના સીમાડે આવેલા આરોપીના કબજા ભોગવટાના ‘ખોડીયાર’ નામના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાં કપાસના વાવેતરની વચ્ચે છૂપી રીતે ઉગાડવામાં આવેલા અને માવજત કરાયેલા ગાંજાના નાના-મોટા ૩૯ લીલા છોડ મૂળિયા સહિત મળી આવ્યા હતા. પોલીસે ૧૫ કિલો ૪૦૦ ગ્રામ વજનનો આ જથ્થો જપ્ત કરી ખેતર માલિક લખમણ દાનાભાઈ ગરાંભડીયા (રહે. નાના માત્રા, તા. વિંછીયા, જિ. રાજકોટ)ની ધોરણસર અટકાયત કરી હતી અને વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર