કારખાનાઓમાં ગઈકાલે બુધવારની રજાઓ હોય સુહાની એન્ટરપ્રાઈઝ કંપનીમાં કામ કરતા 35 વર્ષીય ગુડ્ડુ મહંતોને સાથે જ રહેતાં ધીરજ તાંતી સાથે છત ઉપર મહેફિલ કરવા બાબતે માથાકૂટ થઈ’તી : બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા ધીરજે લોઢી, તવિથા, ધોકો અને પતરાના ચુલાના ઘા ફટકારી મારી નાખ્યો : ઝપાઝપીમાં ધીરજને પણ ઇજા પહોંચતા સારવાર હેઠળ : મૃતકના કૌટુંબિક ભાઈ બહાદુર મહંતો (ઉ.વ.30)ની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો
રાજકોટ : રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. અહિ રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ બિહારના યુવાનને સાથે જ રહેતાં અને સાથે કામ કરતાં બિહારી શખ્સ સાથે કારખાનાની છત ઉપર દારૂ પીવા બાબતે ડખ્ખો થયા બાદ તેને લોખંડની લોઢી, લાકડાના ધોકા અને પતરાના ચુલાના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ છે. ઝપાઝપીમાં આરોપી પણ ઘાયલ થયો હતો. શાપર પોલીસે ગુનો દાખલ કરી આરોપી ભાગી જાય એ પહેલા સકંજામાં લઇ લીધો છે.
જાણવા મળ્યા મુજબ મુળ બિહારનો અને હાલમાં શાપરમાં સુહાની એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરી ભાડાની ઓરડીમાં રહેતો ગુડુ બાલકદાસ મહંતો (ઉ.વ.૨૮)ની લાશ સુહાની એન્જીનીયરીંગ નામના કારખાનાની છત ઉપરથી લોહી નીતરતી હાલતમાં મળી આવતા કારખાનામાં કામ કરતા શ્રમિકો અને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં શાપર પોલીસ પણ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતદેને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો.
પોલીસ તપાસમાં હત્યાની હકિકત અને આરોપીની વિગતો સામે આવી હતી. પોલીસે આ બનાવમાં હત્યાનો ભોગ બનનાર ગુડુના કુટુંબી ભાઇ બહાદુર સુભાષ મહંતો (ઉ.વ.૩૦-રહે. શાપર, પૂજા કંપની પાસે, મુળ હાટીટોલા જી. પટના બિહાર)ની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપી ધીરજકુમાર ભલન તાંતી (રહે. શાપર, મુળ બિહાર)ને સકંજામાં લીધો છે. હત્યાનો ભોગ બનનાર ગુડુ પાંચ ભાઇ બે બહેનમાં બીજા નંબરે હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. શાપર પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સાંજે ગુડુ અને તેની સાથે જ કામ કરતાં અને સાથે રહેતાં ધીરજકુમાર વચ્ચે સુહાની કારખાનાની છત પર દારૂ પીવા બાબતે કે બીજા કારણે બોલાચાલી બાદ મારામારી ઝપાઝપી થઇ હતી.
જેમાં ઉશ્કેરાઇ ગયેલા ધીરજકુમારે ત્યાં પડેલી રોટલી બનાવવાની લોખંડની લોઢી, પતરાનો ચુલો તેમજ લાકડાના ધોકાનો ઉપયોગ કરી આડેધડ ઘા ફટકાર્યા હતાં. આ ઘા ગુડુ માટે જીવલેણ સાબીત થયા હતાં. હત્યા બાદ ધીરજકુમાર ભાગી જાય એ પહેલા શાપર પોલીસે સકંજામાં લઇ લીધો હતો. ઇન્ચાર્જ પીઆઇ આઇ. એમ. સરવૈયા, એએસઆઇ મુકેશભાઇ સહિતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાનો ભોગ બનનારની પત્નિ ચારેક દિવસ પહેલા જ લગ્ન પ્રસંગે બિહાર ગઇ હોઇ તેને ઘટનાની જાણ કરવામાં આવી છે. હત્યાને પગલે ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.


