પ્યુ રિસર્ચ સેન્ટરનો અહેવાલ : ઊંચા પ્રજનન દરને કારણે ૨૦૩૫માં મુસ્લિમ વસ્તી ૨.૫૭ અબજ અને ખ્રિસ્તી વસ્તી ૨.૫૨ અબજ થવાનું અનુમાન : હિન્દુઓ અને યહૂદીઓની કુલ સંખ્યા વધશે, પરંતુ વૈશ્વિક વસ્તીમાં તેમની ટકાવારી ઘટશે : બૌદ્ધોની સંખ્યામાં પણ ઘટાડો થવાનો અંદાજ : ૨૦૭૦ સુધીમાં પાકિસ્તાન સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : વૈશ્વિક ધાર્મિક જનસંખ્યાના સમીકરણોમાં આગામી એક દાયકામાં મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૩૫ સુધીમાં ઈસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે.વર્ષ ૨૦૨૦માં વિશ્વમાં ૨.૨૭ અબજ ખ્રિસ્તી અને ૨.૦૨ અબજ મુસ્લિમો હતા, પરંતુ ઊંચા પ્રજનન દરને કારણે ૨૦૩૫ સુધીમાં મુસ્લિમોની સંખ્યા ૨.૫૭ અબજ અને ખ્રિસ્તીઓની સંખ્યા ૨.૫૨ અબજ સુધી પહોંચી જશે. આ જ વલણ યથાવત્ રહેશે તો ૨૦૭૦ સુધીમાં મુસ્લિમ વસ્તી ૩.૬ અબજને પાર કરી જશે, જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યા ૩ અબજથી થોડી ઓછી રહેશે.
પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૦થી ૨૦૭૦ દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થશે. આ સમયગાળામાં મુસ્લિમ વસ્તીમાં ૮૦ ટકા અને ખ્રિસ્તી વસ્તીમાં ૩૦ ટકાનો ઉછાળો આવશે. હિન્દુઓ અને યહૂદીઓની કુલ વસ્તીમાં વધારો થશે, પરંતુ વૈશ્વિક વસ્તીના પ્રમાણમાં તેમની ટકાવારી ઘટશે. બીજી તરફ, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની વસ્તીમાં સંભવિત ઘટાડાને કારણે બૌદ્ધોની સંખ્યા અને ટકાવારી બંને ઘટશે. પ્યુના મતે, ૨૦૨૦-૨૫ દરમિયાન મુસ્લિમોમાં પ્રજનન દર પ્રતિ મહિલા ૩.૧ બાળકો હતો, જે ખ્રિસ્તીઓ (૨.૫) અને અન્ય ધર્મો (૧.૬) કરતાં ઘણો વધારે છે.
વધુ અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૭૦ સુધીમાં પાકિસ્તાન ઈન્ડોનેશિયાને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે અને ભારત બીજા ક્રમે રહેશે. આફ્રિકાના ઉપ-સહારા ક્ષેત્રમાં ઝડપી વસ્તીવધારાને કારણે ૨૦૭૦ સુધીમાં વિશ્વના અડધાથી વધુ ખ્રિસ્તીઓ ત્યાં વસતા હશે અને કોંગો અમેરિકાને પાછળ છોડી સૌથી મોટો ખ્રિસ્તી વસ્તી ધરાવતો દેશ બનશે. આ ઉપરાંત, કોઈપણ ધર્મમાં ન માનનારા એટલે કે નાસ્તિકોની સંખ્યામાં પણ ૧૮ કરોડથી વધુનો વધારો થશે, જેના પરિણામે ૨૦૬૫ સુધીમાં અમેરિકા અને ૨૦૭૦ સુધીમાં બ્રિટન તથા ફ્રાન્સ જેવા દેશોમાં ખ્રિસ્તીઓની બહુમતી સમાપ્ત થઈ જશે.


