એક્ટ ઈસ્ટ પોલિસી અને દરિયાઈ સુરક્ષા પર રહેશે ખાસ ભાર; બંને પક્ષો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારથી ફિલિપાઇન્સના બે દિવસીય પ્રવાસે રવાના થશે. આ મુલાકાત દરમિયાન તેઓ ૨૩મા આસિયાન-ભારત શિખર સંમેલન અને ૨૧મા પૂર્વ એશિયા શિખર સંમેલન ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝનને વધુ મજબૂત બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આનાથી બંને પક્ષો વચ્ચે વ્યૂહાત્મક અને કૂટનીતિક સંબંધોને નવી ઊંચાઈ મળશે.
વર્ષ 2026ને ભારત અને આસિયાન દ્વારા ‘દરિયાઈ સહયોગ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. મનીલામાં પીએમ મોદીના કાર્યક્રમની શરૂઆત ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર દ્વારા આયોજિત રાત્રિભોજનથી થશે. આ ઉપરાંત તેઓ વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે, જેમાં પ્રાદેશિક સહયોગ, સુરક્ષા અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થશે.પ્રવાસે જતા પહેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે આસિયાન દેશો સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે, જે હવે વેપાર, કનેક્ટિવિટી અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશાળ ભાગીદારીમાં પરિવર્તિત થયા છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને આસિયાન ક્ષેત્ર વચ્ચે લગભગ ૧૨૨ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે. આ વર્ષના આસિયાન શિખર સંમેલનની થીમ નેવિગેટિંગ ધ ફ્યુચર એટલે કે, ભવિષ્યની રાહ નક્કી કરવી રાખવામાં આવી છે. ઈસ્ટ એશિયા સમિટમાં એશિયામાં સ્થિરતા અને વૈશ્વિક પડકારો અંગે મંથન થશે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી ફિલિપાઇન્સમાં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ ખાસ મુલાકાત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પના આસિયાન પ્રવાસ પહેલા મનીલામાં વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા ફિલિપાઇન્સ પહોંચે તે પહેલાં જ રાજધાની મનીલામાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. રવિવારે સેંકડો દેખાવકારોએ આસિયાન સમિટના સ્થળ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. ન્યૂ પેટ્રિયોટિક એલાયન્સ નામના સંગઠનના કાર્યકર્તાઓએ ટ્રમ્પની મુલાકાત અને મધ્ય પૂર્વના સંઘર્ષનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનના નેતા ટેડી કસિનોએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરની ટીકા કરતા કહ્યું કે,ડોનાલ્ડ ટ્રમ્પ માટે અમારો સંદેશ સ્પષ્ટ છે કે તમારું અહીં સ્વાગત નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવતીકાલે મંગળવારે બપોરે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મનીલા પહોંચશે, જ્યારે આસિયાનની મુખ્ય બેઠકો પૂર્ણ થઈ ચૂકી હશે.


