શનિવાર, નવેમ્બર 14, 2026

ઈ-પેપર

શનિવાર, નવેમ્બર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છભારતીય થલ સેનાના નાયકની ઓળખ આપી ઉપલેટાના વેપારી સાથે રૂ. 7.55 લાખની...

ભારતીય થલ સેનાના નાયકની ઓળખ આપી ઉપલેટાના વેપારી સાથે રૂ. 7.55 લાખની ઓનલાઈન છેતરપિંડી

​12 હજાર કિલો ડોલોમાઈટ પાવડરનો બોગસ ઓર્ડર આપી, વેન્ડર રજિસ્ટ્રેશન અને પેમેન્ટ ક્લિયરન્સના બહાને ગઠિયાઓએ રૂપિયા પડાવ્યા; રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો

રાજકોટ : ગ્રાહક બનીને ઓનલાઈન છેતરપિંડી કરવાના વધતા કિસ્સાઓ વચ્ચે ઉપલેટાના એક વેપારી સાથે રૂ. 7.55 લાખની ઠગાઈ થઈ છે. ભારતીય થલ સેનાના નાયક અને કર્મચારીની ખોટી ઓળખ આપી 12 હજાર કિલો ડોલોમાઈટ પાવડરનો ઓર્ડર આપ્યા બાદ, વેન્ડર રજિસ્ટ્રેશન તથા પેમેન્ટ ક્લિયર કરાવવાના નામે ગઠિયાઓએ આ રકમ પડાવી લેતા રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે.

​સાયબર ગઠિયાઓ હવે સામાન્ય નાગરિકોની સાથે વેપારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે, જેમાં ઉપલેટામાં રહેતા 28 વર્ષીય વેપારી રિયાઝ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ગત તા. 5ના રોજ સવારે 10 વાગ્યે રિયાઝને મોબાઈલ નંબર 8396095864 પરથી રાજીવ રંજન કુમાર નામના શખ્સનો કોલ આવ્યો હતો. આ શખ્સે પોતાની ઓળખ ભારતીય થલ સેનાના નાયક તરીકે આપી હતી અને વેપારીની કંપની પાસેથી ડોલોમાઈટ પાવડર ખરીદવામાં રસ દાખવ્યો હતો. બંને વચ્ચે ભાવતાલ નક્કી થયા બાદ આરોપીએ વોટ્સએપ મારફત 12 હજાર કિલો ડોલોમાઈટ પાવડરનો પર્ચેસ ઓર્ડર મોકલ્યો હતો, જેના આધારે વેપારીએ માલ તૈયાર કરી ટ્રક દ્વારા આરોપીએ જણાવેલા સ્થળે રવાના કર્યો હતો.

​માલ મોકલ્યા બાદ પેમેન્ટની પ્રક્રિયા શરૂ થતા વેપારીને મોબાઈલ નંબર 9916082130 પરથી કુલદીપસિંહ નામના અન્ય શખ્સનો ફોન આવ્યો હતો. આ શખ્સે પણ પોતે ભારતીય થલ સેનાનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી. તેણે વેપારીને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે મોકલવામાં આવેલા માલનું પેમેન્ટ મેળવવા માટે વેન્ડર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને પેમેન્ટ ક્લિયર કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ બહાના હેઠળ આરોપીએ વેપારી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 7.55 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

​રૂ. 7.55 લાખ ચૂકવ્યા બાદ પણ જ્યારે આરોપીઓએ પેમેન્ટ ક્લિયર કરવાના નામે વધુ નાણાંની માંગણી કરી, ત્યારે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. સમગ્ર મામલો ફ્રોડ હોવાનું જણાતા વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને જાણ કરી હતી અને ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મોબાઈલ ધારક રાજીવ અને કુલદીપ સહિતના શખ્સોના નામ આપવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ આર. જે. ગોધમ અને તેમની ટીમે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

​ઉલ્લેખનીય છે કે આ ઠગાઈમાં જે વસ્તુનો ઓર્ડર અપાયો હતો તે ડોલોમાઈટ પાવડર કુદરતી રીતે મળી આવતા ડોલોમાઈટ ખડકોને દળીને બનાવવામાં આવતો સફેદ રંગનો બારીક ખનિજ પાવડર છે. રાસાયણિક રીતે તે કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બોનેટનું સંયોજન છે, જે ચૂનાના પથ્થર જેવું જ એક ખનિજ ગણાય છે. સંરક્ષણ અને આર્મી ક્ષેત્રે ડોલોમાઈટ પાવડરનો ઉપયોગ કેટલાક ખાસ તકનીકી કામો, સૈન્યના સાધનો, બાંધકામ અને તાલીમની પ્રક્રિયામાં થતો હોવાથી ગઠિયાઓએ સેનાના નામે આ વસ્તુનો ઓર્ડર આપી વેપારીનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર