એકનો એક લાડકવાયો સૂર્યાંશ રમતાં રમતાં અકસ્માતે નીચે ખાબક્યો; રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો : ધારીમાં ફળિયામાં પડી જતા વૃદ્ધા નિર્મળાબેન પીઠડીયા (ઉ.વ.66)નું ઈજા થવાથી રાજકોટ સારવારમાં મોત
રાજકોટ : માસૂમ બાળકો અજાણતાં રમતમાં ક્યારેક જીવલેણ અકસ્માતનો ભોગ બની જતા હોય છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડે છે. મોરબીના ઊંચી માંડલ ગામે આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઘરની અગાસી પર રમી રહેલો બે વર્ષનો માસૂમ બાળક અકસ્માતે નીચે પટકાતાં તેનું કરુણ મોત નીપજ્યું છે.
મોરબીના ઊંચી માંડલ વિસ્તારમાં રહીને ફેક્ટરી કે કંપનીમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતાં મૂળ બિહારના સુજીતભાઈ સુહાનીનો બે વર્ષનો પુત્ર સૂર્યાંશ ગઈકાલે સવારે ઘરની અગાસી પર રમી રહ્યો હતો. રમતાં રમતાં અચાનક સંતુલન ગુમાવતાં તે અગાસી પરથી સીધો નીચે પટકાયો હતો, જેના કારણે તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત માસૂમને તુરંત જ મોરબી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ માસૂમ સૂર્યાંશે અંતિમ શ્વાસ લીધા હતા.
આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સૂર્યાંશ મૂળ બિહારના આ શ્રમજીવી દંપતિનો એકનો એક લાડકવાયો દિકરો હતો. પોતાના કાળજાના ટુકડા જેવા એકમાત્ર સંતાનને આમ અચાનક ગુમાવી દેતાં શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે અને સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે.
બીજા બનાવમાં ધારીના લાઈનપરામાં આવેલા ગ્રીનસીટી પાર્કમાં રહેતા નિર્મળાબેન ઘનશ્યામભાઈ પીઠડીયા (ઉ.વ.૬૬)ના પ્રૌઢા ગત તા. ૪ના સવારે છએક વાગ્યે ઘરે ફળિયામાં પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવના પગલે પરિવારજનો જાગીને દોડી ગયા હતા અને પ્રથમ અમરેલી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નીવડતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધારી પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ પરની કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર અને અને એક પુત્રી છે, બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.


