સગરામભાઈ સરવૈયાની 20 વર્ષની પૌત્રી હેતલના સાત મહિના પહેલા જ લગ્ન થયા હોય પણ ચાર મહિના પહેલા તે ગામના જ દેવાભાઇના દિકરા કિશન મકવાણા સાથે પકડાતાં બે મહિના પહેલા છુટાછેડા કર્યા’તાં
ગઇકાલે સવારે કિશન હેતલને ભગાડી ગયા બાદ રાતે દાદા સગરામભાઇ સહિતના પુછપરછ કરવા દેવાભાઇના ઘરે જતાં દેવા મકવાણા, કિરણ દેવા, વિપુલ દેવા, રાજુ છના, મનસુખ છના, ભરત મનસુખ, વિરમ મનસુખ અને જેમા સોમાએ લાકડી-ધોકા-કડાથી હુમલો કર્યો
બનાવમાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા દમ તોડયો : દિકરા હેમાભાઇ સરવૈયાની ફરિયાદ પરથી પીઆઇ બી.વી.પટેલ, પીએસઆઇ ડી.વી.ખાંભલાએ ગુનો નોંધ્યો
રાજકોટ : વાંકાનેર તાલુકાના ખાનપર ગામે પૌત્રી ગુમ થવા મામલે પૂછપરછ કરવા ગયેલા કોળી પરિવાર પર ગામના જ આઠ શખ્સોની ટોળકીએ લાકડી, ધોકા અને કડા વડે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ૬૫ વર્ષીય વૃદ્ધ સગરામભાઈ સામતભાઈ સરવૈયાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે ૮ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર ખાનપર ગામે રહેતા અને શ્રી ખોડિયાર પાન સેન્ટર ચલાવતા હેમુભાઈ સરવૈયાના મોટાભાઈ સુરેશભાઈની ૨૦ વર્ષીય પુત્રી હેતલના સાત મહિના પહેલા લગ્ન થયા હતા. જોકે, ચાર મહિના પહેલા તે ગામના જ કિશન દેવાભાઈ મકવાણા સાથે પકડાતા બે મહિના પૂર્વે જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. દરમિયાન બુધવારે સવારે હેતલ ઘરમાંથી અચાનક ગાયબ થઈ જતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. કિશન તેને ભગાડી ગયો હોવાની આશંકા હોવાથી હેમુભાઈ અને પિતા સગરામભાઈ સવારે કિશનના ઘરે ગયા હતા, પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો નહોતો.
ત્યારબાદ રાત્રે આશરે દશેક વાગ્યે સગરામભાઈ, હેમુભાઈ, સુરેશભાઈ તથા પરિવારના અન્ય સભ્યો ગોરધનભાઈ, જેસાભાઈ, મેઘાભાઈ અને રઘાભાઈ ડાભી એકઠા થઈને ફરીથી કિશનના ઘરે હેતલ અંગે પૂછપરછ કરવા માટે ગયા હતા. આ સમયે ત્યાં કિશનના પિતા દેવા ઉકા મકવાણા સહિત પરિવારના અન્ય સભ્યો હાજર હતા. હેતલ અને કિશન વિશે પૂછપરછ શરૂ કરતાં જ તમામ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા.
ઝઘડો ઉગ્ર બનતાં દેવા મકવાણા અને તેની સાથેના શખ્સોએ ઘરમાંથી લાકડીઓ તથા ધોકા કાઢીને પરિવાર પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન દેવા મકવાણાએ લાકડીનો એક ભારે ઘા સગરામભાઈ સરવૈયાના માથાના પાછળના ભાગે મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈને બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આ સિવાય અન્ય શખ્સોએ પણ જૂથમાં આવીને બોલાચાલી કરી બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું.
આ હુમલામાં રાજુ છના મકવાણાએ હેમુભાઈને માથામાં લાકડી મારતાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે વચમાં છોડાવવા પડેલા રઘાભાઈ ડાભીને દેવાભાઈએ હાથમાં પહેરેલા કડા વડે માથામાં ફટકારતાં લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે ગામના અરજણભાઈ બેચરભાઈ સરવૈયાએ વચ્ચે પડીને તમામ ઈજાગ્રસ્તોને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા સગરામભાઈને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
વાંકાનેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સગરામભાઈની સ્થિતિ નાજુક જણાતાં તબીબોએ તેમને વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સગરામભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, ઈજાગ્રસ્ત હેમુભાઈ અને રઘાભાઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે જ તેમને પિતાના નિધનની જાણ થઈ હતી, જેથી પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પીઆઈ બી. વી. પટેલ અને પીએસઆઈ ડી.વી. ખાંભલાની ટીમે હેમુભાઈની ફરિયાદ પરથી દેવા મકવાણા, કિરણ દેવા, વિપુલ દેવા, રાજુ છના, મનસુખ છના, ભરત મનસુખ, વિરમ મનસુખ અને જેમા સોમા મકવાણા સામે વિરુદ્ધ હત્યા અને રઇઓટિંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


