બુધવાર, ઓક્ટોબર 7, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગરમાં એસએમસીના દરોડાના ઘેરા પડઘા : પંચકોશી 'બી' ડિવિ. ના પીએસઆઈ સહિત...

જામનગરમાં એસએમસીના દરોડાના ઘેરા પડઘા : પંચકોશી ‘બી’ ડિવિ. ના પીએસઆઈ સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ

રૂ. 1.37 કરોડના વિદેશી દારૂના દરોડા બાદ જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈનીની કડક કાર્યવાહી; તમામ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓની દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરાઈ

જામનગર : ​જામનગર તાલુકાના નાઘેડી જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે વહેલી સવારે પાડેલા મોટા દરોડાના કારણે સ્થાનિક પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. એસએમસીની આ સફળ કામગીરી બાદ જામનગર જિલ્લા પોલીસવડા ડો.રવિમોહન સૈનીએ સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આકરું વલણ અપનાવ્યું છે. આ બનાવને પગલે પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

​આ દરોડા દરમિયાન એસએમસીની ટીમે નાઘેડી જીઆઈડીસીમાંથી ચાલતું વિદેશી દારૂનું મોટું કટિંગ પકડી પાડ્યું હતું. સ્થળ પરથી રૂ. 37.21 લાખની કિંમત ધરાવતી વિદેશી દારૂની 10,409 બોટલો, બે ટ્રક અને મોટરસાઇકલ સહિત કુલ 5 વાહનો મળી રૂ. 1.37 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસીએ સ્થળ પરથી દીપક ઉર્ફે અટાપટુ જેઠવાણી અને યુવરાજસિંહ ચૂડાસમા નામના બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે દારૂના આ કાળા કારોબારમાં સંકળાયેલા રામકો, કાના મોઢવાડિયા, જીગો અને ઈરફાન કાસમ સહિત 9 આરોપીઓ ફરાર થઈ જતાં તેમની શોધખોળ શરૂ કરાઈ છે.

​પોતાની હદમાં આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઘૂસી જતાં એસપી ડો. રવિમોહન સૈની લાલઘૂમ થયા હતા. તેમણે પંચકોશી ‘બી’ ડિવિઝનના પીએસઆઈ એલ.બી. જાડેજા, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ રાઠોડ, મેહુલભાઈ વિસાણી, પોલાભાઈ ઓડેદરા અને મયુરસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા છે. આટલું જ નહીં, સસ્પેન્ડ કરાયેલા તમામ કર્મચારીઓની તાત્કાલિક જિલ્લાફેર બદલી કરી દેવાઈ છે, જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાને દેવભૂમિ દ્વારકા અને બાકીના સાત કર્મચારીઓને સુરેન્દ્રનગર જિલ્લામાં મોકલી આપવામાં આવ્યા છે.

​વર્ષો પછી જામનગરમાં એસએમસીના આટલા મોટા દરોડા અને તે પછી પોલીસ વિભાગમાં લેવાયેલા આકરા પગલાંથી બુટલેગરો તેમજ પોલીસ કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જામનગરના ઈતિહાસમાં સ્થાનિક સ્ટાફ સામે આવી કડક શિક્ષાત્મક કાર્યવાહી વિરલ ગણાય છે. આ ઘટના બાદ જિલ્લાના અન્ય તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે અને પોતપોતાના વિસ્તારોમાં બુટલેગિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક વોચ ગોઠવી દીધી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર