રાજકોટ : ગોંડલના ગુંદાળા રોડ પર વલ્લભ વાટીકા સોસાયટીમાં રહેતા સોનલબેન મયુરભાઈ ઢોલના પતિ મયુરભાઈ શહેરની આંગડિયા પેઢીની રૂ. બે કરોડની ઉચાપતના કેસમાં સબ જેલમાં બંધ છે. આ કેસમાં આરોપી મયુર સોની, પત્રકાર રવિ રામાણી અને અજય નામના શખ્સે સોનલબેનને તેના તથા સસરાનું નામ ગુનામાં ન ખોલવા અને પોલીસ અધિકારીઓ, એલસીબી, જજ તથા જેલ તંત્ર સાથે વહીવટ કરી એકાદ મહિનામાં પતિને જામીન પર છોડાવી દેવાની ખાતરી આપી હતી. આરોપીઓએ આ તમામ કામ માટે રૂ. ૨૬ લાખનો ખર્ચ થશે તેમ કહી સોનલબેન સાથે ગુનાહિત કાવતરું રચ્યું હતું.
ઠગાઈના આ પ્લાન હેઠળ આરોપીઓએ સોનલબેન પાસેથી કટકે-કટકે કુલ રૂ. ૨૬ લાખ પડાવ્યા હતા. સૌપ્રથમ ઘરમાં રહેલા તથા સગા-સંબંધીઓ પાસેથી મેળવેલા રૂ. ૭ લાખ અજયના ડેલા ખાતે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સસરાને કેસમાં નહીં પકડવાના નામે વધુ રૂ. ૧ લાખ વસૂલવામાં આવ્યા હતા. આટલું જ નહીં, બેંકમાં સોનાના દાગીના ગીરવે મૂકી રૂ. ૬ લાખની લોન મેળવવામાં આવી હતી, જેમાંથી રૂ. ૧ લાખ અજયને અને રૂ. ૫ લાખ પત્રકાર રવિ રામાણીને આપવામાં આવ્યા હતા.
પતિને જેલમાં હેરાન ન કરવાના બહાને જેલ તંત્રના વહીવટ પેટે બહેન-બનેવી તથા માતા પાસેથી ઉછીના નાણાં મેળવી વધુ રૂ. ૧૦ લાખ રવિ રામાણીને ડુંગર હીર ધ્વારે પહોંચાડવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા સમયાંતરે નાણાં પડાવવા છતાં પતિના જામીન ન થતા અને સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ જણાતા સોનલબેને પોતાની રીતે ખાનગી તપાસ હાથ ધરી હતી, જેનાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
જ્યારે સોનલબેનને આ મામલે છેતરાયા હોવાની જાણ થઈ અને તેમણે પોતાની રીતે તપાસ શરૂ કરી, ત્યારે આરોપીઓને આ વાતની ભણક લાગી હતી. આરોપીઓએ સોનલબેનને અજયના ડેલા ખાતે બોલાવીને ખુલ્લી ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે તેમજ જેલમાં રહેલા પતિને વધુ તકલીફ આપવામાં આવશે. આરોપીઓની આ ધમકીથી મહિલા ભયભીત થઈ ગઈ હતી.
આખરે સમગ્ર કૌભાંડ સામે આવતા સોનલબેને હિંમત દાખવીને ગોંડલ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પત્રકાર રવિ રામાણી, અજય અને મયુર સોની વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત કાવતરું રચીને નાણાં પડાવવા અને ધમકી આપવા અંગેનો ગુનો નોંધીને ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.


