સોમવાર, નવેમ્બર 23, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છકચ્છ નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ઉત્તરાખંડના આર્મી પરિવારના 7 સભ્યોનાં...

કચ્છ નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ઉત્તરાખંડના આર્મી પરિવારના 7 સભ્યોનાં મોત

ભુજ-ખાવડા નેશનલ હાઈ-વે પર શનિવારે રાત્રે વેકરિયાના રણ વિસ્તાર નજીક સર્જાયેલી ભીષણ ટક્કરમાં કારના બે ટુકડા થઈ ગયા; મૃતકોમાં 3 મહિનાની બાળકી અને 7 વર્ષની કિશોરીનો પણ સમાવેશ

​રાજકોટ : કચ્છ જિલ્લાના ભુજ-ખાવડા નેશનલ હાઈ-વે પર શનિવારે રાત્રે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. વેકરિયાના રણ વિસ્તાર નજીક પૂરપાટ ઝડપે આવતા ટ્રેલર અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઉત્તરાખંડથી કચ્છ ફરવા આવેલા એક આર્મી પરિવારના તમામ સાત સભ્યોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો.

​કચ્છના સરહદી વિસ્તારમાં પ્રવાસે આવેલા મૂળ ઉત્તરાખંડના એક આર્મી પરિવાર માટે શનિવારની રાત કાળ બનીને આવી હતી. મળતી વિગતો અનુસાર, આ પરિવાર કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધા બાદ શનિવારે રાત્રે આશરે 9:30 વાગ્યાના અરસામાં પોતાની કારમાં સવાર થઈને ખાવડાથી ભુજ તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ભુજ-ખાવડા નેશનલ હાઈ-વે પર આવેલા વેકરિયાના રણ વિસ્તાર નજીક સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ભારેખમ ટ્રેલર સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. ટ્રેલર અને કાર વચ્ચેની આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે પડીકું વળી ગયો હતો અને કારના બે ટુકડા થઈ ગયા હતા.

​આ ગોઝારી દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના સાતેય સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતની તીવ્રતાને કારણે મૃતદેહો હાઈ-વે પર વિખેરાયેલા પડ્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર કમનસીબ સભ્યોમાં સૌરવસિંહ જસપાલસિંહ નેગી (ઉંમર 32 વર્ષ), તેમના પત્ની સવિતા સૌરવસિંહ નેગી અને તેમની માત્ર 3 મહિનાની માસૂમ બાળકી સિવિકા સૌરવસિંહ નેગીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો રિંકી નિતિન ગુસાઈ, વામિકા નિતિન ગુસાઈ, રાજેશસિંહ રાવત અને 7 વર્ષની બાળકી રક્ષિતા રાજેશ રાવતનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે.

​રાત્રિના સમયે બનેલી આ ભયાનક ઘટનાને પગલે ભુજ-ખાવડા હાઈ-વે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનવ્યવહાર થંભી ગયો હતો. અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે તપાસ કરતા કારમાં સવાર સાતેય વ્યક્તિઓ મૃત હોવાનું જણાઈ આવ્યું હતું. ભારે જહેમત બાદ કારના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

​આર્મી પરિવારને નડેલા આ ભીષણ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. સેનાના અધિકારીઓએ હોસ્પિટલ તંત્ર સાથે સંકલન સાધીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં ઝીણવટભરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર