ગુરુવાર, નવેમ્બર 26, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટ રેન્જમાં એનડીપીએસની વિશેષ ડ્રાઈવ : 6 દરોડામાં 7 ઝડપાયા

રાજકોટ રેન્જમાં એનડીપીએસની વિશેષ ડ્રાઈવ : 6 દરોડામાં 7 ઝડપાયા

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં LCB, SOG, ANW અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરી : દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગરમાંથી ૫૧૯ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી ગાંજો, એમ.ડી. પાવડર તથા લીલા ગાંજાના છોડ મળી રૂ.14.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, જનતાને શંકાસ્પદ માહિતી આપવા અપીલ

રાજકોટ : ​રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ત્રણ દિવસની વિશેષ એનડીપીએસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન રેન્જ પોલીસે ૫૧૯ વ્યક્તિઓની તપાસ કરીને ૬ કેસો શોધી કાઢ્યા હતા અને ૭ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. કાર્યવાહીમાં કુલ રૂ. ૧૪,૩૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

​નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ, હેરાફેરી અને સેવન જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા તેમજ નશામુક્ત સમાજનું નિર્માણ કરવાના હેતુથી આ વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. રેન્જના તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકોના સીધા માર્ગદર્શન હેઠળ LCB, SOG, ANW અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી. આ ટીમોએ શંકાસ્પદ સ્થળો, વ્યક્તિઓ તેમજ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા તત્વો પર સતત વોચ રાખી સઘન તપાસ અને ચેકિંગની કામગીરી કરી હતી.

​ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું વેચાણ, સંગ્રહ અને હેરાફેરી કરનારા તત્વો સામે NDPS એક્ટની જોગવાઈઓ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ૧૫૬ વ્યક્તિઓની તપાસ કરી ૧ કેસ શોધી કાઢ્યો હતો અને રૂ. ૨૦,૧૦૦ની કિંમતનો ૪૦૨ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. જામનગર જિલ્લા પોલીસે ૨૩૮ વ્યક્તિઓની તપાસ કરીને ૨ કેસો શોધી કાઢ્યા હતા, જેમાં રૂ. ૨,૩૬,૨૫૦ની કિંમતનો ૪ કિલો ૭૨૫ ગ્રામ ગાંજો તેમજ રૂ. ૪૧,૯૦૦ની કિંમતનો ૪.૧૯ ગ્રામ એમ.ડી. પાવડર કબજે કરવામાં આવ્યો હતો.

​રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે આ ડ્રાઇવ દરમિયાન ૩૫ વ્યક્તિઓની તપાસ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ૯૦ વ્યક્તિઓની તપાસ કરીને ૩ કેસો શોધી કાઢ્યા હતા અને રૂ. ૬,૦૮,૦૦૦ની કિંમત ધરાવતા કુલ ૧૨ કિલો ૧૬ ગ્રામ વજનના ૯ લીલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. સમગ્ર રેન્જના જિલ્લાઓની સંયુક્ત કામગીરીમાં ૫૧૯ વ્યક્તિઓની તપાસ અને ૬ કેસોની સફળતા સાથે ગાંજો, એમ.ડી. પાવડર, લીલા ગાંજાના છોડ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૪,૩૨,૨૨૦નો મુદ્દામાલ જપ્ત કરીને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

​યુવા પેઢીને નશાના દુષણથી દૂર રાખવા, સમાજમાં નશીલા પદાર્થોના વધતા દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવા અને નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવા માટે આવી વિશેષ ડ્રાઇવ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સમાજને નશામુક્ત બનાવવા પોલીસ તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. આસપાસના વિસ્તારમાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ કે હેરાફેરીની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક રેન્જ કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર