નવી દિલ્હી : બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં ખરીદતા ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટે ગુરુવારે અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવિત નિયમોને વધુ કડક બનાવતા સ્પષ્ટ કર્યું છે કે વધુ માત્રામાં ખાંડ (Sugar), મીઠું (Salt) અથવા ફેટ (Fat) ધરાવતા પેકેજ્ડ ખાદ્યપદાર્થોના પેકેટ પર આગળના ભાગે સ્પષ્ટ અને અલગ-અલગ ચેતવણી લેબલ લગાવવા ફરજિયાત રહેશે, જેથી ગ્રાહકો બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનોને સરળતાથી ઓળખી શકે. દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય બિન-ચેપી રોગોના વધતા જતા ભારણ વચ્ચે સુપ્રીમ કોર્ટનો આ હસ્તક્ષેપ અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે FSSAIને નિર્દેશ આપ્યો છે કે ફૂડ રેગ્યુલેટર દ્વારા પ્રસ્તાવિત એક જ સંયુક્ત ચેતવણીને બદલે ચિંતાજનક દરેક પોષક તત્વ માટે અલગ-અલગ લાલ રંગના ષટ્કોણ આકારના ચેતવણી લેબલ સુનિશ્ચિત કરવામાં આવે. નિર્ધારિત મર્યાદા કરતા વધુ ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટ ધરાવતા ઉત્પાદનો પર અનુક્રમે “HIGH SUGAR”, “HIGH SALT” અથવા “HIGH FAT”ની સ્પષ્ટ ચેતવણી લખવી પડશે. આ લેબલ પેકેટની આગળની બાજુએ સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવાના રહેશે, જેથી ગ્રાહકોએ પેકેટ પાછળ ફેરવીને ઝીણા અક્ષરોમાં લખેલું ન્યુટ્રિશન ટેબલ વાંચવાની જરૂર ન પડે.


