મોબાઈલ ગિફ્ટ આપી માસૂમ સગીરાને જાળમાં ફસાવી; શાળાએથી છૂટતી વખતે પીછો કરી ત્રાસ આપતો : મોટી પાનેલીના વતની આરોપી હરેશ ભટાણીયા ભાયાવદર પોલીસના સિકંજામાં
રાજકોટ : ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામની સીમમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમાવનારી ઘટના સામે આવી છે. ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી એક ૧૫ વર્ષની માસૂમ સગીરાને મોબાઈલ ફોનની લાલચ આપીને બાજુની વાડીમાં કામ કરતા એક પરિણીત શખ્સે બબ્બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપી હરેશ નરશી ભટાણીયાની ધરપકડ કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હરિયાસણ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં પરિણિત ખેતમજૂર પોતાના પરિવાર સાથે રહીને ભાગ્યાથી ખેતીકામ કરે છે. તેમની ૧૫ વર્ષની સગીર વયની પુત્રી સ્થાનિક શાળામાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. તેમની વાડીની અડીને જ આવેલી અન્ય એક વાડીમાં મોટી પાનેલીનો વતની હરેશ નરશી ભટાણીયા (ઉં.વ. ૩૮) પણ ભાગ્યું રાખીને ખેતર ખેડવાનું તેમજ મજૂરીકામ કરતો હતો. આ પરિણીત શખ્સની નજર બાજુમાં રહેતી અને અભ્યાસ કરતી માસૂમ સગીરા પર બગડી હતી.
ગત જૂન મહિનાની ૧૦મી તારીખે આરોપીએ સગીરાને પોતાની જાળમાં ફસાવવા માટે એક પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું. હરેશે સગીરાને લાલચ આપીને એક નવો મોબાઈલ ફોન ગિફ્ટ તરીકે આપ્યો હતો. મોબાઈલ આપ્યા બાદ તે ધીમે-ધીમે સગીરાને વાતોમાં ભોળવીને પોતાની સાથે વાતો કરવા પ્રેરી રહ્યો હતો. માસૂમ દીકરી આરોપીના આ કપટ અને ચાલાકીભર્યા પ્લાનને સમજી શકી નહોતી.
મોબાઈલ ફોન આપ્યા બાદ નરાધમે સગીરાની અણસમજણ અને મજબૂરીનો ગેરફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. સીમ વિસ્તાર સુમસામ હોવાનો લાભ લઈને આરોપી સગીરાને એરંડાના વાવેતરવાળા ખેતરમાં બળજબરીપૂર્વક ખેંચી ગયો હતો. ત્યાં તેણે માસૂમ દીકરીને ડરાવી-ધમકાવીને તેની મરજી વિરુદ્ધ બબ્બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સગીરા અત્યંત ગભરાઈ ગઈ હતી.
જ્યારે સગીરાના પિતાને આ અત્યાચાર વિશે જાણ થઈ, ત્યારે તેમણે બનાવની ગંભીરતા સમજીને આરોપીના પિતાને વાત કરી હતી. આરોપીના પિતાએ તેને કડક ઠપકો આપતાં તે સમયે સગીરાના પરિવારે સામાજિક કારણોસર પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. જો કે, આ ઠપકા બાદ પણ આરોપીની હિંમત વધી ગઈ હતી અને તે વધુ બેફામ બની સગીરાનો શાળાએથી પરત ફરતી વખતે સતત પીછો કરવા લાગ્યો હતો.
આરોપી સગીરાનો પીછો કરી બળજબરીપૂર્વક વાડીએ ઘસી આવવા અને વાત કરવા દબાણ કરતો હતો. આ સતત ત્રાસથી સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી અને શાળાએ જતાં પણ ડરવા લાગી હતી. દીકરીના વર્તનમાં આવેલા ફેરફારને જોઈને પરિવારે પ્રેમથી પૂછપરછ કરતાં તેણે રડતાં-રડતાં આપવીતી વર્ણવી હતી. આખરે કંટાળેલા પરિવારે ભાયાવદર પોલીસ મથકે પહોંચી આરોપી સામે દુષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.


