રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી કરનાર આરએસએસનો કાર્યકર્તા : સુપ્રીમકોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટની કાર્યવાહી પર રોક લગાવી
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આવક કરતા વધુ સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી અને તાત્કાલિક રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.મહત્વનું છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી કરનાર કર્ણાટક રાજ્યના વતની એસ.વિગ્નેશ શિશિર અગાઉ પણ આવી પાયા વિહોણી અરજી કરી ચુક્યો હોવાનું સુપ્રીમકોર્ટ સમક્ષ જણાવાયું હતું.
જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટને આ કેસની આગામી ૨૦ ઓગસ્ટે યોજાનાર સુનાવણી ટાળવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ આ કેસની તપાસનો કોઈપણ રિપોર્ટ હાઈકોર્ટમાં જમા કરવા પર મનાઈ ફરમાવી દીધી છે.રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે હાઈકોર્ટની કાર્યવાહી એક કાવતરાનો ભાગ છે. તેમણે અરજદારના ઈરાદા પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો હતો કે, અરજદારે પોતે આરએસએસ કાર્યકર હોવાની માહિતી છુપાવી છે અને તે વારંવાર રાહુલ ગાંધી વિરુદ્ધ પાયાવિહોણી અરજીઓ કરી રહ્યો છે. આ ઉપરાંત, રાહુલ ગાંધીએ એક અલગ અરજી દાખલ કરીને આ સમગ્ર કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી છે.


