બુધવાર, ઓક્ટોબર 14, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકોઠારીયા સોલ્વન્ટમાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો ઘોડા ડોકટર ઝડપાયો

કોઠારીયા સોલ્વન્ટમાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો ઘોડા ડોકટર ઝડપાયો

આજીડેમ પીઆઈ એચ.એન.પટેલની ટીમની કામગીરી

રાજકોટ : રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા એક બોગસ ડૉક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને સ્ટાફના માણસો જ્યારે ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા, ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ મેઈન રોડ પર, હરિદ્વાર ગેટ નંબર ૧ ની સામે એક દુકાનમાં ‘ગાયત્રી ક્લિનિક’ નામનું દવાખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ ક્લિનિકમાં કિશનકુમાર કિરીટભાઈ કરકર નામનો ૩૦ વર્ષનો યુવાન હોમીયોપેથીની (B.H.M.S.) ડીગ્રી ધરાવતો હોવા છતાં, ગેરકાયદેસર રીતે દર્દીઓને એલોપેથીક દવાઓ આપી, ઇન્જેક્શન અને બાટલા ચઢાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો છે.આ બાતમીના આધારે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી મેળવીને પોલીસે કોઠારીયા સોલ્વન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. હિતેષભાઈ સાગઠીયા અને બે સ્થાનિક પંચોના માણસોને સાથે રાખીને સાંજે આશરે ૧૯:૧૫ વાગ્યે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી કિશનકુમાર ટેબલ પર સ્ટેથોસ્કોપ સાથે બેઠેલો મળી આવ્યો હતો. તેની પાસે એલોપેથીક તબીબી પ્રેક્ટિસ કરવા માટેનું જરૂરી લાયસન્સ કે પ્રમાણપત્ર માંગતા, તેણે માત્ર કાઉન્સિલ ઓફ હોમીયોપેથીક સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત સ્ટેટનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. તેની પાસે એલોપેથીક સારવાર માટેનો કોઈ કાયદેસરનો આધાર ન હોવાનું સ્થળ પર હાજર સરકારી મેડીકલ ઓફિસરે પણ લેખિત પ્રમાણપત્ર દ્વારા સ્પષ્ટ કર્યું હતું.

પોલીસે ક્લિનિકની તલાશી લેતા ત્યાંથી સ્ટેથોસ્કોપ, બી.પી. ઇન્સ્ટ્રુમેન્ટ, સિરીંજ, સોય તેમજ જુદી જુદી એલોપેથીક ટેબ્લેટ્સ, સિરપ, ક્રીમ અને ઈન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત આરોપીની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા ૧,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૮,૩૭૩.૬૦/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે પંચનામાની વિગતે જપ્ત કર્યો હતો. આરોપી કિશનકુમાર કરકર સામે ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિક્રમ ડોડિયા ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર