સોમવાર, ઓક્ટોબર 5, 2026

ઈ-પેપર

સોમવાર, ઓક્ટોબર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટશાપરમાં ગળું કાપી યુવકની ઘાતકી હત્યા કરનાર ઝડપાયો

શાપરમાં ગળું કાપી યુવકની ઘાતકી હત્યા કરનાર ઝડપાયો

કમલેશ રામ નામના શ્રમિકનો ગયા અઠવાડિયે મૃતદેહ મળી આવ્યા બાદ શાપર પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી : શકમંદો અને પરિચિતોની પૂછપરછ વખતે રાજકુમાર મંડલ (ઉ.વ.30)ને ઝડપી લેવાયો : બે મહિના પૂર્વેની માથાકૂટનો ખાર રાખી હત્યા કર્યાનું ખુલ્યું

​રાજકોટ : શાપરના રામદેવનગર તળાવ કાંઠેથી સપ્તાહ પૂર્વે મળી આવેલા કમલેશકુમાર રામ નામના યુવકના મૃતદેહ અને હત્યાના ગુનાનો શાપર પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. મૃતક કોઈ મોબાઈલ વાપરતો ન હોવાથી તેમજ અન્ય કોઈ કડી ન મળતા આ કેસ સંપૂર્ણપણે બ્લાઇન્ડ બની ગયો હતો. પરંતુ પોલીસે હ્યુમન અને ટેકનિકલ રિસોર્સના આધારે તપાસ લંબાવતા એક મહત્વની કડી મળી હતી. આરોપીએ હત્યા કર્યા બાદ પોતાના મિત્ર સામે “મૈને ઉસકો માર ડાલા” તેવી કબૂલાત કરી હતી, જે બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી રાજકુમાર મંડલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​બનાવની વિગત મુજબ, શાપરમાં રામદેવનગર મફતીયાપરા ખાતે રહેતા અંજુકુમારી કમલેશકુમાર રામ (ઉ.વ.૩૪)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પરિવાર સાથે રહીને મજૂરીકામ કરે છે. ગત તા. ૨૮ના રોજ સાંજના સાતેક વાગ્યે તેમના પતિ કમલેશકુમાર છૂટક મજૂરી કરીને ઓરડીએ આવ્યા હતા અને બાદમાં અંજુકુમારી પાસેથી પૈસા લઈને મટન લેવા જવાનું કહીને નીકળ્યા હતા. મોડી રાત્રી સુધી પતિ પરત ન આવતા આજુબાજુમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે નવેક વાગ્યે રામદેવનગર તળાવના કાંઠે અવાવરૂ જગ્યામાં એક લાશ પડી હોવાની જાણ થતાં અંજુકુમારી ત્યાં પહોંચ્યા હતા, જ્યાં મૃતદેહ તેમના પતિ કમલેશકુમારનો હોવાનું માલૂમ પડ્યું હતું. ગળાના ભાગે ધારદાર હથિયારના ઘા ઝીંકાયેલા હોવાથી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે ગળાના ભાગે તીક્ષ્ણ શસ્ત્ર વાગવાથી મોત થયું હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

​રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી. રાણાની ટીમે તપાસ ધમધમાટ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે બે મહિના પૂર્વે મૃતક કમલેશકુમારને કોઈ વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી. પોલીસે શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢી યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો. આરોપી રાજકુમાર રામ મંડલ (ઉ.વ. ૩૦, મૂળ ભાગલપુર, બિહાર)એ કબૂલાત કરી હતી કે બે મહિના જૂના ઝઘડાનો ખાર રાખીને તેણે ૨૮મીની રાત્રે તળાવ પાસે કમલેશકુમારને ઘેરીને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ કેસમાં સૌથી મહત્ત્વની કડી એ રહી કે, આરોપીએ હત્યાના દિવસે જ એક વ્યક્તિને “મૈં ઉસકો માર ડાલુંગા” કહ્યું હતું અને હત્યા બાદ ઘરે જઈ જમતી વખતે પોતાના મિત્ર આગળ “મૈને ઉસકો માર ડાલા” તેવી કબૂલાત કરી હતી. આ મિત્ર પાસેથી મળેલી વિગતોના આધારે શાપર પોલીસની ટીમે આ કેસનો સફળતાપૂર્વક ઉકેલ આણ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર