બુધવાર, ઓક્ટોબર 7, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ પોલીસની સતર્કતા : જૂની અદાવતમાં યુવકની હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો...

રાજકોટ પોલીસની સતર્કતા : જૂની અદાવતમાં યુવકની હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા

ભગવતીપરા વિસ્તારમાં રહેતા ગૌરાંગ ઉર્ફે ગવલો સાથે સિકંદર રાઉમાને માથાકૂટ ચાલતી હોય તેનું વેર વાળવા ટોળકી નીકળી’તી : બી-ડિવિઝન પોલીસની સમયસૂચકતાથી મોટો અનિચ્છનીય બનાવ અટક્યો; પોલીસ કમિશ્નરના હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ

રાજકોટ : ​રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં અગાઉની જૂની માથાકૂટ અને અદાવતનો ખાર રાખીને એક યુવકની હત્યા કરવાના ઇરાદાથી ઘાતક હથિયારો સાથે ખુલ્લેઆમ ફરી રહેલા ચાર શખ્સોને બી-ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમે સમયસૂચકતા વાપરીને ઝડપી લીધા છે. પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે શહેરમાં કોઈ ગંભીર કે લોહિયાળ ગુનો આચરવામાં આવે તે પહેલાં જ મોટી ઘટના ટળી ગઈ છે.

​ઘટનાની વિગતો અનુસાર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ભગવતીપરામાં રહેતા ગૌરાંગ ઉર્ફે ગવલો અરવિંદભાઈ બાવાજી સાથે સિકંદર હારૂનભાઈ રાઉમાને અગાઉથી જૂની માથાકૂટ ચાલતી હતી. આ જૂની અદાવતનું વેર વાળવા માટે સિકંદર પોતાના સાગરીતો સાથે ઘાતક હથિયારો સજ્જ કરી ગૌરાંગ પર હુમલો કરી તેને જાનથી મારી નાખવાના ઇરાદા સાથે વિસ્તારમાં તેની શોધખોળ કરી રહ્યો છે.

​ચોક્કસ બાતમી મળતા જ ગંભીરતા સમજીને પોલીસની ટીમે તુરંત જ ભગવતીપરા આશાબાપીરની દરગાહ વાળા મેઈન રોડ પર દરોડો પાડ્યો હતો. ગુલાબભાઈ ડિસવાળાની દુકાન પાસે જાહેર રસ્તા પર શંકાસ્પદ હાલતમાં ઉભેલા ચાર શખ્સોને પોલીસે ચારેય તરફથી ઘેરાબંધી કરીને પકડી પાડ્યા હતા. પોલીસે સ્વતંત્ર પંચોની હાજરીમાં વિધિવત પૂછપરછ હાથ ધરતા પકડાયેલા શખ્સોના નામ-ઠામ જાહેર થયા હતા.

​ઝડપાયેલા આરોપીઓમાં સૂત્રધાર સિકંદર હારૂનભાઈ રાઉમા (ઉં.વ. ૩૧), પ્રહલાદસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉં.વ. ૨૩), નવાજ સલીમભાઈ મુલતાની (ઉં.વ. ૨૪) અને સમીર ફીરોજભાઈ શાહમદાર (ઉં.વ. ૨૬) હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ તમામ શખ્સોની શારીરિક ઝડતી લેતા તેમની પાસેથી તીક્ષ્ણ અને ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સિકંદર પાસેથી ઉર્દૂ લખાણ વાળી સ્ટીલની તલવાર, પ્રહલાદસિંહ પાસેથી સ્ટીલની તલવાર, નવાજ પાસેથી ફરસી ટાઈપની છરી તેમજ સમીર પાસેથી લોખંડની પ્લેટમાંથી બનાવેલું પોણા ફૂટનું ધારદાર હથિયાર કબ્જે કરવામાં આવ્યું હતું.

​પકડાયેલા તમામ આરોપીઓ પાસે જાહેર રસ્તા પર આવા ઘાતક હથિયારો રાખવા અંગેનું કોઈ કાયદેસરનું લાઈસન્સ કે પાસ-પરમિટ ન હતું. જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના હથિયાર બંધી અંગેના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ક્રીપાલસિંહ નરપતસિંહ જાડેજા દ્વારા તમામ આરોપીઓ સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

​પોલીસે ગેરકાયદે હથિયારો રાખવા તથા જાહેરનામા ભંગ બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, બી.એન.એસ. કલમ ૨૨૩, ૩(૫) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ચારેય આરોપીઓની ધોરણસર અટકાયત કરી છે. સમયસૂચકતા દાખવીને મોટો ગુનો બનતા અટકાવનાર બી-ડિવિઝન પોલીસ સ્ટાફની આ કામગીરીની સમગ્ર વિસ્તારમાં સરાહના થઈ રહી છે અને આગળની કાયદેસરની તપાસ ચાલુ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર