દેવનારાયણ સ્ક્રેપ નામના ડેલામાંથી અજાણ્યા ચોરો ૪૦ હજારનું કોપર અને મંદિરના લોટામાંથી ૧૦ હજારની રોકડ સેરવી ગયા: ગાંધીગ્રામ-૨ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
રાજકોટ : રાજકોટ નજીક આવેલા વિરડા વાજડી ગામ પાસે ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા તસ્કરોએ એક બંધ ભંગારના ડેલાને નિશાન બનાવી રૂ. ૫૦,૦૦૦ની મત્તાની ચોરી કરી છે. આ અંગે ડેલાના સંચાલકે ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મૂળ રાજસ્થાનના અને હાલ વાજડી ગામની સનરાજ સોસાયટીમાં રહેતા હરજીરામ મેવારામ ગુર્જર વિરડા વાજડી ગામે ઇન્ડિયન પેટ્રોલપંપ સામે આવેલો ‘દેવનારાયણ સ્ક્રેપ’ નામનો ભંગારનો ડેલો ભાડે રાખીને ચલાવે છે. ગત ૧ ઓક્ટોબર ૨૦૨૬ના સાંજે સાતેક વાગ્યે હરજીરામ અને તેમનો કર્મચારી ખેમરાજ ગુર્જર ડેલાને તાળું મારીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે ખેમરાજે ડેલો ખોલતા જ અંદરથી માલસામાન ગાયબ હોવાનું જણાતા તેમણે માલિકને જાણ કરી હતી.
ડેલાના માલિક હરજીરામે સ્થળ પર પહોંચી તપાસ કરતા અંદર રાખવામાં આવેલું રૂ. ૪૦,૦૦૦ની કિંમતનું અંદાજે ૫૦ કિલો કોપર ગાયબ હતું. આ ઉપરાંત ડેલામાં આવેલા નાના મંદિરમાં રાખેલા લોટામાંથી પણ રૂ. ૧૦,૦૦૦ની રોકડ રકમ ચોરાઈ ગઈ હતી. આમ, તસ્કરો બંધ ડેલામાં પ્રવેશી કુલ રૂ. ૫૦,૦૦૦ની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
પ્રારંભિક ધોરણે વેપારી અને કર્મચારીએ પોતાની રીતે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) અને ૩૩૧(૪) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ પીએસઆઈ આર. એમ. સાખરા ચલાવી રહ્યા છે.


