સોમવાર, ઓક્ટોબર 12, 2026

ઈ-પેપર

સોમવાર, ઓક્ટોબર 12, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગરમાં જુની અદાવતમાં કારની ટક્કર મારી ફિલ્મી ઢબે યુવાનની હત્યા કરનાર ત્રણ...

જામનગરમાં જુની અદાવતમાં કારની ટક્કર મારી ફિલ્મી ઢબે યુવાનની હત્યા કરનાર ત્રણ ઝડપાયા

બાઇક અને થારથી પીછો કરી આઈ-20 કારને ટક્કર મારી અકસ્માત ખપાવવાના ખેલનો પર્દાફાશ થયો

જામનગર : ​જામનગરમાં દસ દિવસ અગાઉ કાર જોવા બાબતે થયેલી માથાકૂટનું વેર વાળવા માટે ત્રણ શખ્સોએ ખૂની ખેલ રચ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નુરી ચોકડીથી રાજપાર્ક તરફ જતા બાયપાસ રોડ પર વહેલી સવારે આરોપીઓએ થાર કાર અને બાઇક વડે ફિલ્મી ઢબે પીછો કરી આગળ જતી આઈ-20 કારને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર ટક્કરના કારણે કાર રસ્તાની બાજુમાં ઊભેલી બસ સાથે અથડાઈ હતી, જેના પરિણામે કારમાં સવાર અફઝલ ચાવડા નામનો યુવાન ફંગોળાઈને નીચે પટકાતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

​આ ભયાનક હત્યાકાંડને સામાન્ય અકસ્માતમાં ખપાવી દેવા માટે આરોપીઓ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસની ઝીણવટભરી તપાસ અને સી.સી.ટી.વી. ફુટેજના આધારે સમગ્ર ઘટના હત્યાનું પૂર્વઆયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું હતું. મૃતકના સાથીદારોની પણ હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું ખૂલતા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી કડક કાર્યવાહી હાથ ધરી હતી.

​પોલીસે તપાસના આધારે ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હાજી અયુબભાઇ ખફી, ઇમ્તિયાઝ ઇકબાલભાઇ ખફી અને ખલીલ ઉર્ફે બાઠીયો ઇસ્માઇલભાઇ કોરાને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી હાજી અગાઉ 16 વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. પોલીસે આ ગુનામાં વપરાયેલી થાર કાર અને બાઇક પણ કબજે કરી લીધા છે.

​આ સમગ્ર લોહિયાળ પ્રકરણમાં ત્રણેય આરોપીઓને આજે પોલીસ દ્વારા રિમાન્ડની સઘન માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે, જ્યાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર