સતત માનસિક તણાવ વચ્ચે કામ કરતાં અધિકારીઓની નિર્ણય લેવાની ક્ષમતામાં ભયજનક ઘટાડો: નાણાંકિય વર્ષના આઠ મહિના પુરા થઇ ગયા અને હવે ચાર મહિના જ બાકી છે ત્યારે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓની ફાઇલોની ફેંકાફેંકી : સ્ટેન્ડિંગ કમિટીએ સુુચવેલી 50 કરોડની યોજનાઓમાંથી અનેકના હજી શ્રી ગણેશ પણ થયા નથી
(આઝાદ સંદેશ), રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા 2024-25ના નાણાંકિય વર્ષમાં તત્કાલિન કમિશનર આનંદ પટેલેે રજુ કરેલા રૂ.2817 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.50 કરોડની યોજનાઓ ઉમેરીને બજેટનું કદ વધારીને રૂ.2843.91 કરોડનું બજેટ મંજૂર ર્ક્યું હતું. પણ રાજકોટમાં બનેલા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની ઈફેક્ટ શહેરના વિકાસકામો પર થઇ હોય તેમ નાણાંકિય વર્ષના છ મહિના પસાર થઇ ગયા છતાંપણ રૂ.2843.91 કરોડના વિકાસકામોના અંદાજ સામે હજી 25 ટકા ખર્ચ પણ થયો નથી. ટીઆરપી કાંડ બાદ રાજકોટમાં કમિશનર તરીકે મુકાયેલા દેવાંગ દેસાઇની અભ્યાસુ નજરને કારણે અધિકારીઓ વિકાસકામોની જે ફાઇલો મંજૂરી અર્થેે મુકે છે એમાં કોઇને કોઇ ક્વેરી સાથે ફાઇલ જે તે વિભાગને પરત કરી ફાઇલોની ફેંકાફેંકી કરવામાં આવી રહી છે. આ કારણે અધિકારીઓની નિર્ણય લેવાની ક્ષમતામાં પણ ભયજનક કહી શકાય તેવો ઘટાડો થયો છે.
તત્કાલિન કમિશનર આનંદ પટેલે મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ 2024-25નું રૂ.2817 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ ર્ક્યુ હતું. આમાં ફેરફાર કીરને સ્ટેન્ડિંગ કમિટીએ મહાનગરપાલિકાની સ્થાપનાને 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે રૂ.50 કરોડની નવી 18 યોજનાઓ સાથે કુલ રૂ.2843.91 કરોડનું બજેટ મંજૂર ર્ક્યું હતું. પણ, ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટના વિકાસરથને બ્રેક લાગી ગઇ છે. કમિશનરે સુચવેલી યોજનાઓ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ સુચવેલી મહત્વની 18 યોજનાઓમાંથી મોટાભાગની યોજનાઓના બજેટના આઠ મહિના પુરા થઇ ગયાછતાં શ્રીગણેશ થયા નથી. બજેટમાં સુચવાયેલી યોજનાઓમાંથી વર્ષ દરમિયાન રૂ. 2843 કરોડના ખર્ચનો અંદાજ હતો. પણ, નવા નાણાંકિય વર્ષ આડે હવે ચાર મહિના જ રહ્યા છે ત્યારે વિકાસકામોનો ખર્ચ 25 ટકા પણ થયો નથી !
ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટના વિકાસકામોને મોટી બ્રેક લાગી છે. અને હાલમાં સ્ટેન્ડિંગ કમિટી પાસે મંજૂરી અર્થે જે દરખાસ્તો આવે છે. એમાંની મોટાભાગની દરખાસ્તો તત્કાલિકન કમિશનર આનંદ પટેલના સમયની હોય છે. આવી જ રીતે બજેટમાં સુચવાયેલી યોજનાઓની ફાઇલ તૈયાર કરીને કમિશનર પાસે રજુ કરવામાં આવે ત્યારે તેમના અભ્યાસુ સ્વભાવને કારણે જ્યાં સુધી તેઓને સંતોષજનક વિગતો ન મળે ત્યાં સુધી તેઓ નાની મોટી એકપણ વિકાસકામોની ફાઇલ મંજૂર કરતાં નથી. અને, તેમાં અલગ અલગ ક્વેરી કાઢીને જે તે વિભાગના અધિકારીઓને પરત મોકલવામાં આવે છે. વિકાસકામોની ફાઇલોની આવીરીતે ફેંકાફેંકી થતી હોય અને ક્વેરી માટે મોકલાયેલી ફાઇલોનો તુરંત નિકાલ થતો નહોય રાજકોટમાં અનેક મહત્વકાંક્ષી યોજનાઓ ટલ્લે ચડેલી છે.
શહેરના વિકાસના રથને સતત દોડતો રાખવો હોય તો નાણાંકિય વર્ષના બજેટમાં સુચવાયેલા વિકાસકામોના ખર્ચના અંદાજ સામે છ મહિનામાં અડધોઅડધ એટલે કે 50 ટકા કામ થવા જોઇએ પણ, રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં સુચવાયેલા રૂ.2843 કરોડના વિકાસકામો સામે 25 ટકા વિકાસકામો પણ થયા નથી! ઉલ્ટાનું મંજૂર કરાયેલા કામોની ફાઇલોમાં પણ ક્વેરી કાઢીને જે તે વિભાગને પરત મોકલવામાં આવે છે. એક્શન પ્લાન હેઠળ ત્રણેય ઝોનમા ડામરરોડ કરવાનુ કામ આનું ઉદાહરણ છે. સામાન્ય રીતે ચોમાસા બાદ નવરાત્રીમાં જ એક્શન પ્લાન હેઠળના ડામરરોડના કામો શરૂ થઇ જવા જોઇએ તે હવે દિવાળી પછી એટલે કે બે મહિના મોડા શરૂ થયા છે.
બાંધકામ પરવાનગી સાથે વોટર રિચાર્જ ડિપોઝીટ ખોવાઇ ગઇ !
શહેરમાં ભૂતળનું સ્તર ઉંચુ લાવવા જનભાગીદારીથી વોટર રીચાર્જ, પીવાના પાણીના નવા સોર્સ શોધવા ક્ધસલ્ટન્ટની નિમણુંક કરી પ્રિફિઝીબીલીટી અને ડીપીઆર તૈયાર કરવા તથા બાંધકામ પરવાનગી સાથે વોટર રિચાર્જ ડિપોઝીટ લેવાની યોજના બજેટમાં મુકાઇ હતી. આ અંતર્ગત શહેરના કેટલાંક વિસ્તારોમાં ચેકડેમ બનાવાયા હતા. પણ, લોકો નિયમિત વોટર રીચાર્જ કરે તે માટે બાંધકામ પરવાનગી સાથે વોટર રિચાર્જ ડિપોઝીટ લેવાની યોજના ભુલાઇ ગઇ છે.
વાવડી વિસ્તાર સ્પોન્જ સિટીની રાહ જોઇ રહ્યો છે…
મહાનગરપાલિકાના વર્ષ 2024-25ના બજેટમાં વોર્ડ નં.12માં ટીપી સ્કીમ નં. 15 વાવડી વિસ્તારમાં સ્પોન્જ સિટી ડેવલપ કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. પણ આ સ્પોજ સિટીનો ક્ધસેપ્ટ હજી નક્કી થયો નથી. આ કારણે નાણાંકિય વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર ચાર મહિના જ રહ્યા છે ત્યારે સ્પોન્જ સિટીનો ક્ધસેપ્ટ નક્કી થશે કે કેમ અને જો ક્ધસેપ્ટ નક્કી થશે તો આ યોજના સાકાર થશે કે કેમ ? વાવડી વિસ્તાર આઠ માસથી સ્પોન્જ સિટીની રાહ જોઇ રહ્યો છે.
એ.આઇ. આધારિત રોડ મોનિટરિંગ અને વિડિયો એનાલિસ્ટીક
મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે એનપીઆર/ આર. વી.એલ.ડી. ઇન્સ્ટોલ કરવા તથા એ.આઇ. આધારિત રોડ મોનિટરીંગ તેમજ એ.આઇ.બેઈઝ્ડ વિડીયો એનાલિસ્ટીક માટે કુલ પાંચ કરોડ ઉપરાંતનો ખર્ચ દર્શાવાયો હતો. આ યોજનાનો અમલ શરૂ થવાનું તો એક બાજું રહ્યું પણ હાલમાં જે 900 સીસી ટીવી કેેમેરા છે તેમાંથી લગભગ 100 જેટલાં કેમેરા બંધ હાલતમાં છે.
જાહેર માર્ગો પર દબાણ દુર થતા નથી અને કમ્પલિટ સ્ટ્રીટના ખ્વાબ..!
વર્ષ 2024-25ના બજેટમા શહેરના વોર્ડ નં.14ના ભક્તિનગર સર્કલથી જલારામ ચોક,સેન્ટ્રલ ઝોનમાં પેલેસરોડને કમ્પલિટ સ્ટ્રીટ હેઠળ ડેવલપ કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આવી જ રીતે કુવાડવા રોડને ડેવલપ કરવા, પેડક રોડને ગૌંરવ પથ 2.0 અન્વયે રી ડેવલમેન્ટ કરવાની યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. મહાનગરપાલિકા જાહેર માર્ગો પરથી સામાન્ય દબાણો પણ હટાવી શકતી નથી અને શહેરીજનોને કમ્પલિટ સ્ટ્રીટની સુવિધા આપવાના ખ્વાબ જોઇ રહી છે. જો કે આ મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એકપણ યોજનાના આઠ મહિને પણ શ્રી ગણેશ થયા નથી !
ત્રિકોણબાગથી માલવીયા ચોક અને યુનિ. રોડ વિસ્તૃતિકરણ કાગળ ઉપર
મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી ત્રિકોણબાગથી માલવિયા ચોક તેમજ યુનિવર્સિટી રોડના વિસ્તૃતિકરણની વાતો કરવામાં આવે છે.પણ આ બન્ને રોડની હાલત હજી જેમની તેમ જ છે. આવી જ રીતે પીડીએમ ફાટક પાસે બ્રીજ બનાવવાની યોજના પણ હજી આગળ વધી શકી નથી. પીડીએમ ફાટક પર બ્રીજ બનાવવા માટે ડિઝાઇન તૈયાર થઇ રહ્યાનો દાવો લાંબા સમયથી કરવામા આવી રહ્યો છે. પણ, રોડ વિસ્તૃતિકરણથી માંડીને બ્રીજ બનાવવા સુધીની યોજનાઓ હજી કાગળ પર જ છે.
સ્ટેન્ડિંગ કમિટીએ સુચવેલી આ યોજનાઓનો અમલ ક્યારે ?
તત્કાલિન કમિશનર દ્વારા 2024-25ના બજેેટમાં સુચવેલી યોજનાઓ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ વધારાની 18 યોજનાઓ સાથેનું બજેટ મંજૂર ર્ક્યું હતું. પણ સ્ટેન્ડિંગ કમિટીએ સુચવેલી યોજનાઓમાંથી અનેક યોજનાઓનો હજી અમલ જ શરૂ થયો નથી. આ યોજનાઓમાં નવો સાઉથઝોન, દેવપરા 80 ફૂટ રોડથી આજી જીઆઇડીસી તરફ જતા રોડને જોડવા બ્રીજ, માધાપરમાં કોમ્યુનિટી હોલ, તથા વોર્ડ નં.6મા0 મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ, કિશોરસિંહજી શાળા અને વિક્રમ સારાભાઇ શાળાનું નવીનીકરણ કરીને મોડેલ સ્કૂલ બનાવવા, કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડર બ્રીજ સુધી બન્ને બાજુ તેમજ બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધીના રોડને વ્હાઇટ ટોપિંગ કરવા, ત્રણેય ઝોનમાં પાર્ટીપ્લોટ અને ત્રણેય ઝોનમાં મહિલા હોકર્સઝોન બનાવવાની યોજના અધુરી છે. જો કે વોર્ડ નં.11માં પાર્ટીપ્લોટ બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ થયા છે. આવી જ રીતે હાલમા એક મહિલા હોકર્સ ઝોન છે તે પણ બંધ હાલતમાં છે.