દરરોજ 100 ટોકન જ માંડ આપવામાં આવે છે, સવારથી સાંજ સુધી ચાલતી કામગીરી છતાં અસંખ્ય લોકો પરત ઘરે ઇ-કેવાયસી વગર જ જાય છે : પૂર્વ વિસ્તારની ઝોનલ શાખા બહાર મહિલા કાર્ડધારકોનો દેકારો, રૂપિયા 600 આપે તેનું ઇ-કેવાયસી થાય છે, ત્રણ-ત્રણ દિવસથી કતારમાં ઉભા રહેલાને ધક્કા : વીડિયો વાયરલ
ડિસેમ્બર મહિનાના અંત સુધી જ ઇ-કેવાયસીની કામગીરી, ત્યારબાદ અનાજ નહીં મળે તેવી દહેશતના પગલે પુરવઠાની ઝોનલમાં કતારો
(આઝાદ સંદેશ), રાજકોટ : છેલ્લા કેટલાય મહિનાઓથી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગરીબ કાર્ડધારકોની સ્થિતિ અત્યંત દયનિય બની ગઇ છે. રાજકોટ જિલ્લાના 37 લાખ રાશનકાર્ડ પરિવારોમાંથી આજ સુધી ફકત આઠ લાખના ઇ-કેવાયસી પૂર્ણ થયાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. દરેક જિલ્લામાં રાશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે અનાજ મેળવવાને પાત્ર પણ કોઇ કાર્ડધારકો ન હોય તેઓ કતારમાં ઝોનલ શાખા (પુરવઠા) ખાતેની કચેરીમાં કલાકો સુધી ઉભા રહે છે. હાલ રાજકોટની તમામ મામલતદારની કચેરીમાં પુરવઠાની ઝોનલ શાખા દ્વારા સવારે 11થી 2 સુધી જ કાર્ડધારકો માટે ઇ-કેવાયસીની કામગીરી શરૂ રાખવામાં આવે છે.
સૌથી વધારે મુશ્કેલી જૂની કલેકટર કચેરીમાં પુરવઠાની પૂર્વ વિસ્તારની ઝોનલ શાખામાં થતી હોવાની અને કાર્ડધારકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટ જિલ્લામાં હજુ ફકત 20થી 25% જ ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ થઇ છે. ડિસેમ્બરના અંતમાં આ કામગીરી બંધ થવાની છે અને જે કાર્ડધારકોએ ઇ-કેવાયસી કરાવ્યું નહીં હોય તેને અનાજ નહીં મળે તેવી જાણ થતાં દરરોજ ગરીબ કાર્ડધારકો સવારથી સાંજ સુધી કતારમાં ઉભા રહી જાય છે. રાજકોટ જિલ્લામાં હજુ કાર્ડધારકોની 75% જેટલી ઇ-કેવાયસીની કામગીરી બાકી છે.
સર્વર ધીમુ ચાલતું હોવાની પુરવઠા મંત્રીની કબુલાત
સર્વર ધીમી ગતિએ કામગીરી કરતું હોવાનું પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ પણ કબુલાત કરી હતી અને જણાવ્યું હતું કે સર્વર બંધ થવા અંગે અમોને જાણ છે આ સમસ્યા જલ્દી દુર થાય તે બાબતની કામગીરી હાલ ચાલી રહી છે. જેટલી જલ્દી સર્વર ઠીક થાય અને કામ ઝડપથી કામ થાય તે અંગેની વ્યવસ્થા હાલ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને કામગીરી ઝડપીથી બને તે બાબતે પુરવઠા વિભાગ સતત મહેનત કરી રહ્યું છે સોમવાર સુધીમાં સર્વરનો પ્રશ્ર્ન સમસ્યા દૂર થાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
જૂની કલેકટર કચેરીમાં પૂર્વની ઝોનલ શાખામાં ત્રણ-ત્રણ દિવસથી કાર્ડધારકોને કતારમાં ઉભા રહેવા છતાં ઇ-કેવાયસી થતું નથી
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જેમનો હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે પરંતુ રાજ્યભરના ઇ-કેવાયસી, રાશનકાર્ડમાં નામ બદલવું કે ઉમેરવું માટેનું છેલ્લા કેટલાક સમયથી રાજ્ય પુરવઠા વિભાગનું સર્વર ધીમું હોવાના કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે.ત્યારે રાજકોટની જૂની કલેકટર ખાતે આવેલ પુરવઠા ઝોન કચેરી ખાતે મહિલાઓએ હલાબોલ કર્યો હતો. જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી વિગતો અનુસાર ગઈકાલે રાજકોટની જૂની કલેકટર ખાતે આવેલ પુરવઠા ઝોનલ કચેરી ખાતે મહિલાઓએ હલાબોલ કર્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, રેશનકાર્ડમાં નામ ફેર કરવા માટે સવારે 11થી બપોરે 2:00 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે છતાં પણ 12:00 વાગ્યે જ બારી બંધ કરી દેવાય છે. આ તબક્કે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા ત્રણ દિવસથી અમે વહેલી સવારે અમારા કામ ધંધા બંધ કરીને આવ્યો છે. છતાં પણ અમારો વારો આવતો નથી અને ટોકન સિસ્ટમ કરવાની મહિલાઓએ માંગ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં પણ સંભળાઈ રહ્યું છે કે, કચેરીમાં એજન્ટ એજન્ટ રાજ ચાલી રહ્યું છે અને જે લોકો 600-600 રૂપિયા આપે છે તેમનો વારો આવી જાય છે પરંતુ વહેલી સવારથી જ ઊભેલી મહિલાઓનો વારો નથી આવતો ને છેલ્લા ત્રણ દિવસથી પોતાના ધંધા-રોજગાર બંધ રાખી કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે સમગ્ર ઘટનાનો વિડીયો કલેકટર પ્રભવ જોશી પાસે પહોંચ્યો હોવાનો કચેરીના સૂત્રોમાં ચર્ચાય છે.