(આઝાદ સંદેશ),રાજકોટ: જ્યુબેલી ગાર્ડનની બાજુમાં બસ સ્ટેન્ડ પાસેના ફુટપાથ પરથી આજે એસઓજીએ 11.950 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે યુવાનને ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે ઓરીસ્સાથી ગાંજાનો જથ્થો લઇ આવ્યાની કબુલાત આપી છે. મળતી માહિતી મુજબ એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.વી. હરિયાણી અને ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ટીમના ઉપેન્દ્રસિંહ ઝાલા અને વિરદેવસિંહ જાડેજાને બાતમીના આધારે ચેતન ભરતભાઇ સમેચા (ઉ.21)ને અટકાવી તેની પાસે રહેલા બે કાળા થેલાની તલાશી લેતા અંદરથી 11.950 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત એસઓજીએ રૂા.1.19 લાખ ગણી હતી. એક મોબાઇલ ફોન, રૂા.1700 રોકડા, બે ટ્રેનની ટીકીટ વગેરે મળી કુલ રૂા.1.26 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ચેતને ગાંજાનો જથ્થો ઓરીસ્સાથી લઇ આવ્યાની કબુલાત આપી છે. તેણે પોલીસને જણાવ્યું કે ઓરીસ્સાથી ટ્રેનમાં સુરત સુધી આવ્યો હતો. સુરતથી બસમાં બેસી રાજકોટ પહોંચ્યો ત્યાં જ ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી ટ્રેનની બે ટીકીટ મળી હતી. જે બાબતે પુછપરછમાં જણાવ્યું કે તેની સાથે પાડોશીનો છોકરો પણ હતો. જે આગળ ઉતરી ગયો હતો. જેથી હવે એસઓજીએ તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એસઓજીને ગાંજો ખરેખર બીજા કોઇએ મંગાવ્યાનું અને ચેતન માત્ર કેરિયર તરીકે કામ કરતો હોવાની માહિતી મળી છે. આ સ્થિતિમાં ગાંજો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પણ પોલીસ હવે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગાંજાના જથ્થામાં મોટાભાગે સુરત અને ઓરીસ્સાનું કનેક્શન ખુલે છે.