કુવાડવા રોડ પોલીસ મથકમાં બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ પાસે આઇઓસી પ્લાન્ટ નજીક બકરા ભરીને જતી ઇકો કારને ગૌરક્ષકોએ અટકાવતા કાર ચાલક પિતા-પુત્ર અને ગૌરક્ષકો વચ્ચે મારામારી થતા કુવાડવા રોડ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવાઇ છે.
મળતી માહિતી મુજબ મોચીબજારવાળા ખાડામાં રહેતા અને મટનનો ધંધો કરતા મજીદભાઇ ઉર્ફે મજલો ઉર્ફે કરીમભાઇ માંડલીયા (ઉ.52)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, પુત્ર વસીમ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઇકો કારમાં બકરા ભરીને રાજકોટ આવી રહ્યા હતા ત્યારે નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલા પાંચ અજાણ્યા શખસોએ તેની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કાર નહીં રોકતા પીછો કરી, કાર ઉભી રખાવી, બોલાચાલી અને ઝઘડો કરી, ગાળો ભાંડી ગડદાપાટુનો માર માર્યો હતો. તેનો પુત્ર વસીમ વચ્ચે પડતા એક શખસે તેના ડાબા હાથ અને પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજા કરી હતી. સામાપક્ષે ચોટીલામાં રહેતા અને ડ્રાઇવીંગ કરતા વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઇ સાકરીયા (ઉ.32)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ઇકો કારના ચાલક અને તેની સાથેના શખસે પોતાની કારમાં ખીચોખીચ બકરા ભર્યા હતા. જેથી તેણે કાર રોકવાનું કહેતા રોકી ન હતી. કાર ભગાડી હતી. આગળ ટાયર ફાટતા કાર ઉભી રાખી હતી. જેથી અંદર ખીચોખીચ ભરેલા બકરા ચેક કરવા બાબતે કાર ચાલક અને તેની સાથેના શખસે બોલાચાલી અને ઝઘડો કરી તેના નાકના ભાગે મુક્કો મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ ઉપરાંત ગડદાપાટુનો માર પણ માર્યો હતો. કુવાડવા રોડ પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં નવયુગપરા શેરી નં.5માં રહેતા અને મજૂરી કરતા વિનોદ જગદીશભાઇ ચાંડપા (ઉ.30)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા.29ના રોજ મિત્ર મયુર પારીયા સાથે એક્ટીવા ઉપર જતો હતો ત્યારે એસ્ટ્રોનના નાલા પાસે ટુ વ્હીલર પર ઘસી આવેલા કૃણાલ રાજુભાઇ ગોહેલ, લુલો સુરેશભાઇ ગોહેલ અને નિખીલ ચૌહાણે આંતરી, છરીના હાથા વડે હુમલો કરી, નાક અને આંખ પર મુક્કા મારી ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી એટલું જ નહીં તેના મીત્રને પકડી રાખી આરોપીઓએ ગાળો ભાંડી, જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો. એ ડિવીઝન પોલીસે એટ્રોસીટી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિનોદે પોલીસને જણાવ્યું કે, દોઢેક મહીના પહેલા આરોપી કૃણાલ અને તેના મીત્રો તેના ઘર નજીક બીજા લત્તાના છોકરાઓને ભેગા કરી બેસતા હોવાથી સમજાવતા ઝઘડો કર્યો હતો. જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.