બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો

ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો

જૂના માર્કેટિંગ યાર્ડ પાસે કારખાનું ધરાવતા સુરેશભાઇ પરમાર (ઉ.વ.60)એ ધંધા માટે 3% વ્યાજે લીધેલા રૂ.60 લાખના બદલામાં મકાન ગીરવે રાખ્યું હોય અને ચેક આપ્યા’તા : રકમ ચુકવી દીધા છતાં પણ વધુ રૂ.60 લાખ 10% વ્યાજ સાથે માંગતા હોય માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના આગેવાન તેમજ લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ લેનાર પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. એક કારખાનેદારે પી.ટી.જાડેજા પાસેથી રૂા.60 લાખ 3 ટકા વ્યાજે લીધા બાદ રૂા.70.80 લાખ ચૂકવી દેવા છતા વધુ વ્યાજ મેળવવા માટે પાંચ ચેક ઉપર સહી કરાવી મકાનના ઓરિજીનલ દસ્તાવેજ પડાવી લીધાની અને સાટાખત ભરાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. મળતી માહિતી મુજબ રાજકોટના સુર્યદય સોસાયટીમાં ગંગા એપાર્ટમેન્ટ સામે કાલાવડ રોડ પર રહેતા અને જુના માર્કેટીંગ યાર્ડ પાસે ગજાનંદ રી-પાવરીંગ નામે કારખાનું ચલાવતા સુરેશભાઇ અમરશીભાઈ પરમાર (ઉ.વ.60) માલવીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં બિગ બઝારમાં આશાપુરા ફાયન્સ નામે ઓફીસ ધરાવતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) તથા તપાસમાં ખુલે તે તમામના નામ આપ્યા છે.
જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેઓ રી-પાવરીંગનું કારખાનું ચાલવતા હોય. ગત ફેબ્રુઆરી 2024માં એટલે કે 10 મહીના પૂર્વ તેમને ધંધાના કામ માટે 60 લાખ રૂપિયાની જરૂર પડતા તેના મિત્ર યશપાલભાઇ પટગીર સાથે વાતચીત કરતા પી.ટી.જાડેજા જે વ્યાજ રૂપિયા આપે છે. તેમની સાથે મિટીંગ કરવાની વાત કરી હતી. જેથી બન્ને રૂબરૂ મળવા ગયા ત્યારે પી.ટી.જાડેજાએ મકાનના દસ્તાવેજ વગર પોતે વ્યાજે રૂપિયા આપતા નથી તેવી વાત કરી હતી. ત્યારે યશપાલ પટગીરે સુરેશભાઈ જુના મિત્ર હોય સાટાખત ઉપર રૂપિયા આપવાની વાત કરી હતી અને જે ખર્ચ થયા તે પણ ચૂકવી આપવાનું કહ્યું હતું. 60 લાખ 3 ટકા વ્યાજે આપવાનું નક્કી કર્યું હતું. પી.ટી.જાડેજાએ ગોંડલ ખાતેના પોતાના વકીલ પાસે મકાનના દસ્તાવેજની અસલ ફાઈલ આપવા જણાવ્યું હતું. ફાઈલ આપી દીધા બાદ 20 દિવસ પછી વકીલ પાસે ફાઈલ લેવા ગયા ત્યારે અસલ ફાઇલ પી.ટી.જાડેજાના બીજા વકીલ 150 રીંગ રોડ પર ગીરીરાજ હોસ્પિટલ પાસે ઓફીસ ધરાવતા વકીલને આપી હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ સુરેશભાઈ અને તેના મિત્ર યશપાલભાઈ તે વકીલની ઓફીસે ગયા ત્યારે સાટાખત તથા પાવરનામું અને મકાનના અસલ દસ્તાવેજની ફાઈલ વકીલે તેની પાસે રાખી હતી અને પી.ટી.જાડેજાને મળવા માટે કહ્યું હતુ. પી.ટી.જાડેજાએ ત્રણ મહિનાનું ત્રણ ટકા લેખે એડવાન્સ 5.40 લાખ વ્યાજ કાપી 29.60 લાખ રોકડા અને રૂા. 25 લાખ આરટીજીએસ એમ કુલ 54.60 લાખ આપ્યા હતા. અને સેક્યુરિીટી પેટે નાગરીક બેન્કના 5 લાખના સાત ચેક લખાવી લીધા હતા. સુરેશભાઈ દર મહિને રૂા.1.80 લાખ યશપાલભાઈ પટગીરને વ્યાજ આપતા હતા.જે પી.ટી.જાડેજાને પહોંચાડી દેતા હતા.નિયમિત ત્રણ ટકા લેખે 10.80 લાખ વ્યાજ ચૂકાવ્યા બાદ 21/8/2024ના રોજ તે જ ઓફીસમાં કામ કરતા હશુભાઇનો ફોન આવ્યો અને મુદલની રકમ 11મી તારીખે આપી જાજો તેમ કહ્યું હતું. સુરેશભાઈએ પોતે પહોંચી શકાય તેમ નથી જેથી વ્યાજ આપીશ તેમ કહ્યું હતું.
આ બાબતે પી.ટી.જાડેજાએ મુદલ રકમ આપવા માટે સતત દબાણ કરતા હોય જેથી ગત તા. 10/9/2024ના રોજ પી.ટી.જાડેજાને રકમ પેટે 30 લાખ કાલાવડ રોડ નાગરિક બેન્ક ખાતેથી આરટીજીએસ કરી અને 29.60 લાખ રોકડા આપેલ હતા.બાદમાં જ્યારે મકાનના અસલ દસ્તાવેજની ફાઇલ પરત માંગતા તે ફાઇલ પરત આપવાની ના પાડી હતી અને પ્રવીણભાઈ સોની નામના વ્યક્તિએ સુરેશભાઈને પી.ટી.જાડેજાને 60 લાખ મુદલ મોડી ચૂકવી હોય જેથી 10 ટકા લેખે વ્યાજ આપવું પડશે નહીં તો ફાઇલ નહીં આપે તેવું કહ્યું હતું. આ બાબતે પી.ટી.જાડેજાનું સંપર્ક કરતા તેમણે પઠાણી વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપતા આ મામલે માલવીયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર