માલવીયાનગર પોલીસે હર્ષ જોષી (ઉ.23)ની અટકાયત કરી 12.73 લાખની મત્તા કબજે કરી : એકની શોધખોળ
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરે દારૂના ધંધાર્થીઓ પર તવાઇ ઉતારવાની સુચના આપતા હાલ બુટલેગરોએ જાણે શહેરમાં દારૂ ઠાલવવાનો ટ્રેન્ડ બદલ્યો હોય તેમ લક્ઝરીયસ કાર મારફતે દારૂની હેરાફેરીને અંજામ આપી રહ્યા છે. ત્યારેે પોલીસે પણ દારૂની હેરફેરની બાતમી મેળવી લક્ઝરી કારો ઝડપી પાડતી હોવાના બનાવ જોવા મળે છે. ત્યારે ફરી એક વખત માલવીયાનગર પોલીસે અંગ્રેજી દારૂ ભરેલ ર્સ્કોપીયો કારને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને ઘ્યાને લઇ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ ડી.એસ.ગજેરાની ટીમ કાર્યરત હોય ત્યારે ટીમના અજય વીકમા અને ભાવેશ ગઢવીને વિવિધ હ્યુમન સોર્સીસમાંથી મળેલ બાતમીના આધારે ઉમાકાંત પંડિત ઉધોગનગર શેરી નં.5માંથી અંગ્રેજી દારૂ ભરેલ સ્કોર્પીયો કાર નીકળવાની હોય તેના આધારે ટીમ વોચમાં હોય ત્યારે બાતમીવાળી કાર નીકળતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી દારૂની રૂા.73491/-ની 131 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.12,73,491/-ની મતા સાથે મવડીના હર્ષ જોષી (ઉ.23)ની અટકાયત કરી હતી. હર્ષની આગવી ઢબે પુછપરછ કરતા મોરબીના જયદીપસિંહ જાડેજાનું નામ ખુલતા તેને શોધી કાઢવા તજવીજ હાથ ધરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા હર્ષ વિરૂદ્ધ અગાઉ ડીસીબી પોલીસ મથકમાં પણ પ્રોહીબીશનનો ગુનો નોંધાયેલ છે.