બળદેવસિંહ ચુડાસમા (ઉ.વ.42) ઉપર હુમલો કરનાર સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ : કાર પાછળ સ્કૂટર અથડાતાં યુવાનને કાર ચાલકે ફડાકા ઝીંક્યા
(આઝાદ સંદેશ),રાજકોટ: કોઠારીયા રોડ નજીક ગોપાલનગરમાં શેરીમાં બેસવાની ના પાડવાના મુદે શરાફી મંડળીના મંત્રી પર પિતા-પુત્ર સહીત ચાર શખસોએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ભક્તિનગર પોલીસે આ અંગે ગોપાલનગર-10માં વિમલ એપાર્ટમેન્ટમાં રહેતા અને રાજ ક્રેડીટ કો.ઓ.શરાફી મંડળીમાં મંત્રી તરીકે કામ કરતા બળદેવસિંહ ભયલુભા ચુડાસમા (ઉ.42)ની ફરિયાદ પરથી ચેતન રાઠોડ, તેના પિતા અને બે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કર્યો હતો. બળદેવસિંહ ગઇકાલે ઘર નજીક હતા ત્યારે મિત્રો સાથે આરોપી ચેતન રાઠોડ તેની શેરીમાં બેસેલ હોવાથી તેને શેરીમાં બેસવાની ના પાડી હતી. જે પસંદ નહીં આવતા આરોપીએ તેના પિતા સાથે સ્કુટર પર ઘસી આવી છરીથી હુમલો કર્યો હતો. જ્યારે અન્ય બંન્ને અજાણ્યા આરોપીઓએ ત્યાં આવી ઢીકાપાટુનો માર મારી પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી. આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં ભગવતીપરા મેઇન રોડ પર સુખસાગર શેરી નં.5માં રહેતો અને પારસી અગીયારી ચોકમાં લક્ષ્મી ડ્રાઇવીંગ સ્કૂલ નામે ડ્રાઇવીંગ ક્લાસીસ ચલાવતો ચિરાગ દલાભાઇ વાઘેલા (ઉ.28) તેના મીત્ર નિલેશ ઉર્ફે ગોપાલ ચૌહાણ સાથે સ્કૂટર પર જઇ રહ્યો હતો. ત્યારે યુનિ.રોડ પર એફએસએલ કચેરીના ગેઇટ પાસે કાર ચાલક એકાએક તેની કાર ચોક તરફ હંકારી મુકતા તેનું સ્કૂટર કાર પાછળ અથડાયું હતું. જેને લઇ કારના ચાલકે તેને તમાચા ઝીંકી દીધા હતા તેમજ તે સ્કૂટર પરથી પડી જતા ઇજા થઇ હતી. આ બનાવ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.