સોમવાર, જૂન 23, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાષ્ટ્રીય શાળા પાસે આવેલા મીડિયા હાઉસમાં કામ કરતા રસોયાએ જ મિત્રને ચોરીની...

રાષ્ટ્રીય શાળા પાસે આવેલા મીડિયા હાઉસમાં કામ કરતા રસોયાએ જ મિત્રને ચોરીની ટીપ આપી’તી : નેપાળી ત્રિપુટીને ઝડપી લેવાઈ

ક્રાઈમબ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી રૂ.46.86 લાખનું સોનુ, રૂ.19700 ની ચાંદી, 10.75 લાખની રોકડ, પાઉન્ડના સિક્કા, વાહન, મોબાઈલ મળી રૂ. 58.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ : યાજ્ઞિક રોડ નજીક રાષ્ટ્રીય શાળાની બાજુમાં આવેલ અબતક મીડિયા હાઉસ કાર્યાલયમાં ગત રવિવારે રાત્રે પોણા વાગ્યે બુકાનીધારી તસ્કર ત્રાટક્યો હતો. કાર્યાલયની દરેક ઓફિસના ટેબના ખાના, ડ્રોવર ફિંદી, પ્રેસના માલિક સતિષભાઈ મહેતાની ચેમ્બરના કાચના દરવાજાના બાકોરું પાડી લોકર ઉઠાવી રૂ. 63 લાખનું સોનુ-ચાંદી અને રૂ. 13.90 લાખની રોકડ મળી કુલ રૂ. 76.90 લાખની મતાની ચોરી કરી લેવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બંગરવા, એસીપી ક્રાઇમ બી.બી. બસિયા અને વી જી પટેલના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. એ ડિવિઝન પીઆઈ આર જી બારોટ અને પીએસઆઈ એસ એમ રાણાની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ સી એચ જાદવ અને પીએસઆઈ એમ કે મોવલિયાની ટીમ, એલસીબી ઝોન-2 ઇન્ચાર્જ પીએસઆઈ જે વી ગોહિલની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી ટીમે તસ્કરનું પગેરું મેળવવા બનાવસ્થળથી માંડી અલગ અલગ વિસ્તાર, શહેરના એન્ટ્રી-એકઝીટ પોઇન્ટ સુધીના તમામ ખાનગી અને સરકારી કેમેરાની ચકાસણી શરૂ કરી હતી.
દરમિયાન તસ્કરનું પગેરું રૈયા તરફ મળી આવતા પોલીસની તમામ ટીમોએ તસ્કરની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. બીજી બાજુ કોઈ કર્મચારીએ જ ટીપ આપ્યાની આશંકાએ કુનેહપૂર્વક પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર શરૂ કર્યો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે સંતોષ શંકર થાપા(ઉ.વ.30 રહે. રૈયાધાર, મણિનગર, નંદનવન વિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલો રૂમમાંમાં, રાજકોટ મૂળ રહે. ઓડા, નેપાળ) અને વિનોદ શંકર થાપા(ઉ.વ.25 રહે. તુલસીબાગ એપાર્ટમેન્ટના રૂમમાં, હનુમાનમઢી પાસે, રૈયા રોડ, રાજકોટ અને મૂળ રહે.ઓડા, નેપાળ)ની ધરપકડ કરી લીધી હતી.
બીજી બાજુ એ ડિવિઝન અને એલસીબી ઝોન-2 ટીમે હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલ સોર્સના આધારે મુખ્ય કાવતરાખોર અને અબતક પ્રેસમાં રસોયા તરીકે નોકરી કરતા અર્જુનસીંગ માનસિંગ પરીયાગ (ઉ.વ.30 રહે.યાજ્ઞિક રોડ, ઇમ્પિરિયલ હોટેલની સામેની શેરીના ખૂણે આવેલ એપાર્ટમેન્ટમાં, રાજકોટ અને મૂળ રહે.ઓડા, નેપાળ)ને ઉઠાવી લઇ આકરી પૂછપરછ કરતા તેણે પોતે જ આખું કાવતરું ઘડી તેના બંને મિત્રોને ચોરી અંગે ટીપ આપ્યાની કબૂલાત આપી હતી.
પોલીસે તસ્કર ત્રિપુટી પાસેથી રૂ. 46.86 લાખનું સોનુ, રૂ. 19700 ની ચાંદી, 10.75 લાખની રોકડ, પાઉન્ડના સિક્કા, વાહન, મોબાઈલ મળી રૂ. 58.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિનોદ થાપા વિરુદ્ધ અગાઉ રાજસ્થાનના આદર્શનગર પોલીસમાં અને અર્જુન પરીયાગ વિરુદ્ધ રાજસ્થાનના ભીમ પોલીસમાં ચોરીના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર