(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના મીરજાન ગામના વતની અને હાલ રેસકોર્ષ રીંગ રોડ પર આઇકલ ગુરુ વાટીકામાં રહેતા અધિકારીને છૂટાછેડા બાબતે પત્ની સાથે ચાલતા વિવાદમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે પત્ની અને બે સાળાએ હુમલો કર્યો હતો. જ્યારે સસરાએ ધમકી આપતા આ મામલે સાસરીયા પક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ, રાજકોટ આઇટી વિભાગના ઇન્સ્પેક્ટર અભિનવકુમાર પ્રભુનાથ ભગત (ઉ.43)ની ફરિયાદને આધારે પત્ની સક્ષીકુમારી કિશુનપ્રસાદ ભગત, સાળા અમીત કિશુનપ્રસાદ ભગત, શ્રવણ ભગત અને સસરા કિશુનપ્રસાદ ભગતનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા છ વર્ષથી પત્ની સાથે છુટાછેડાનો કેસ રાજકોટ ફેમેલી કોર્ટમાં ચાલુ છે. અભિનવ કુમારને સંતાનમાં એક પુત્ર જેનું નામ આયશ છે અને 13 વર્ષની પુત્રી અક્ષિતા છે. જે તેમની સાથે રહે છે.
ગત તા.17/10ના રોજ પુત્રી સાથે ઘરે હતા ત્યારે પત્નીનો ફોન આવ્યો હતો અને પુત્રના કપડા લેવા માટે જવાનું હોય તેથી ત્રિકોણબાગ પાસે મળવાની વાત કરી હતી. તે વખતે સાળો અમિત અને તેનો મિત્ર શ્રવણ કુમાર હાજર હતા. પુત્ર આયશ પોતાની સાથે આવવા માંગતો હોય અને રડતો હતો જેથી તેને સ્કૂટર પર ચક્કર મરાવા લઇ ગયા હતા અને બાદ પુત્રી અને પુત્ર સાથે ઘરે ચાલ્યા ગયા હતા. જ્યારે પત્ની અને સાળો ઘરે ચાલ્યો ગયા હોય બાદમાં આયકર વાટીકા ખાતે આવેલ ઘરે ધસી આવી માથાકુટ કરી હતી અને પત્ની અને તેનો ભાઇ બસ સ્ટેશન પાસે હોય ત્યા મળવાની વાત કરતા ઓટો રીક્ષામાં ત્યા પહોંચ્યા હતા અને ત્યારબાદ પત્નીએ પોલીસ કંટ્રોલને જાણ કરતા એ ડિવીઝન પોલીસ સ્ટેશને બધાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સમાધાન થઇ જતા ફરીયાદ કરવાનુ ટાળ્યુ હતુ. અભિનવ કુમાર એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી નિકળીને ઘરે જતા હતા ત્યારે એસીબી કચેરી પાસે પત્ની સાક્ષીકુમારી, સાળો અમિત અને તેના મિત્ર શ્રવણભગતે હુમલો કર્યો હતો તેમજ સસરા કિશુનપ્રસાદે ફોન ઉપર ધમકી આપી હતી. આ મામલે એ ડિવીઝન પોલીસ મથકમાં અભિનવકુમારે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.