વીજલાઇનમાંથી પાવર ચોરી માટે 3 ખેડૂતોએ લંગરીયા નાખતા વીજ પ્રવાહ રીટર્ન થવાથી લાગ્યો આંચકો : વીજ તંત્રની ટીમ દોડી ગઇ
(આઝાદ સંદેશ),રાજકોટ: ધ્રોલ તાલુકાના લૈયારા નજીક વીજ પોલ પર સમારકામ કરી રહેલા ચાર શ્રમિકો ગંભીર સ્વરૂપે દાઝી જતા સારવારમાં ખસેડાયા હતા. જ્યોતિગ્રામમાંથી સ્થાનિક ત્રણ ખેડૂતોએ પાવર ચોરી કરવા માટે લંગરીયા વીજ જોડાણ નાખતા તેમાંથી વીજ આંચકો લાગ્યો હોઇ અધિકારીઓની ટુકડીઓ દોડતી થઇ છે. ત્રણેય ખેડૂતો સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે પીજીવીસીએલ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર કંપની મારફતે થાંભલા પર નવી વીજલાઇન ઉભી કરવા અને સમારકામનું કામ કરાવવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન થાંભલા પર ચડેલા ચાર પર પ્રાંતીય શ્રમિકોને વીજ આંચકો લાગ્યો હતો અને ચાારેય શ્રમિક દાઝી ગયા પછી નીચે પટકાયા હતા અને તેઓને સૌપ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે ચારેય શ્રમિકો પૈકી બે શ્રમિકોની હાલત વધુ ગંભીર ગણાવાઇ રહી છે. તેઓને ઇલેવન કેવીની લાઇનમાંથી વીજ આંચકો લાગ્યો હતો તેમજ નીચે પટકાઇ પડવાથી ઇજાગ્રસ્ત પણ બન્યા હતા. આ બનાવની જાણ થતા વીજ તંત્રની ઉચ્ચ અધિકારીઓની ટુકડી દોડતી થઇ હતી અને તપાસ કરતા જ્યોતિગ્રામમાંથી સ્થાનિક ત્રણ ખેડૂતોએ લંગરીયા નાખીને પાવર ચોરી કરી હોવાથી જ્યારે શ્રમિકોને પાવર ચોરી કરવાના કારણે વીજ પ્રવાહ રીટર્ન થતા વીજ આંચકો લાગ્યો હતો અને નીચે પટકાઇ પડયા હતા. વીજ તંત્રની ટીમ દ્વારા આ બાબતેનું સર્વે કર્યા પછી ત્રણેય ખેડૂતોના લંગરીયા વીજ જોડાણ કાપીને કબજે કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણેય ખેડૂતો સામે વીજ ચોરી કરવા અંગે અને બેદરકારી દાખવી શ્રમિકોને ઇજાગ્રસ્ત બનાવવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે. આ બનાવને લઇને વીજ તંત્રમાં ભારે દોડધામ થઇ છે.