(આઝાદ સંદેશ), રાજકોટ : જસદણના ગોખલાણા ગામેથી 17 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું. જે અંગે અપહરણ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા આરોપીને પોલીસે સકંજામાં લીધો છે. મળતી માહિતી મુજબ, જસદણના ગોખલાણા ગામેથી 17 વર્ષીય સગીરા ઘરેથી ગુમ થઈ જતા તેમના પિતાએ જસદણ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. દરમ્યાન સગીરાના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં જાણવા મળેલ કે, આરોપી મંગળુ ચંપુ વાળા પણ તેના ઘરે નથી. જેથી અંતે પોલીસે મંગળુ વાળા ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયાની ફરિયાદ લીધી હતી. અને અપહરણ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી શોધખોળ કરતા આરોપી અને સગીરા મળી આવ્યા હતા. આરોપીને સકંજામાં લઈ આગળની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત વાવડી વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા સગીરાની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશ, હાલ વાવડી વિસ્તારમાં માતા-પિતા સહિત પરિવાર સાથે રહેતી.14 વર્ષની સગીરા ગઈ કાલે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ આસપાસ સગા સંબંધીને ત્યાં તપાસ કરતા સગીરાનો કોઈ પતો ન લાગતા સગીરાની માતાએ તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઈ. એચ.એમ. મહારાજે તપાસ હાથ ધરી છે