(અઝાદ સંદેશ), રાજકોટ : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં થયેલ હત્યાના ગુનામાં આરોપી ઠાકુરસીંગ મોતીસીંગ ચૌહાણનો નિર્દોષ છુટકારો થયો છે. મગફળીના પાક બાબતે પરપ્રાંતિય ખેત મજુરોના આંતરીક ઝઘડાના પરીણામ સ્વરૂપે યુવકની હત્યા કરવાનો આરોપ હતો.
કેસની વિગત મુજબ, તા. 23/11/19ના રોજ મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી રમેશભાઈ નાનુરામ પરમારે પોતાના પુત્ર સતિષની હત્યા થયા બાબતે આરોપી ઠાકુરસીંગ વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ-302, 324, 504 તથા જી.પી.એકટ કલમ-135 મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. ફરિયાદમાં જણાવેલ કે, ઠાકુરસીંગના દીકરાએ સતીષના ભાગની મગફળી લીધેલ હતી. જેથી સતીષે ઠાકુરસીંગના પુત્રને માર મારેલ હતો. ઠાકુરસીંગ સતીષને ઠપકો આપવા જતા સતીષ આરોપી ઠાકુરસીંગને મા2વા દોડેલ જે બાદ આરોપી ઠાકુરસીંગે ફરીયાદીના દીકરા સતીષને મારી નાંખવાનું નક્કી કરતા તા.23/11/2019 ના રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં આરોપીએ ધારીયા જેવા હથીયાર વતી માથામાં ગંભીર ઈજા કરી મોત નીપજાવી અને સતીષની પત્નીને પણ ઓળમાં તથા હાથમાં ઈજા કરી હતી. પોલીસે ઠાકુરસીંગ (રહે.ખરેડા ગામની સીમ, યોગેશભાઈ ડાયાભાઈ કોરડીયાની વાડીએ, તા.જી.મોરબી, મુળ મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. ચાર્જશીટ બાદ કેસ કોર્ટમાં ચાલવા પર આવતા ફરીયાદ પક્ષ તરફથી કુલ 38 થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી 28 જેટલા સાહેદોને તપાસવામાં આવેલ હતા.
આરોપીના વકીલ અંશ ભારદ્વાજ દ્વારા દલીલ કરાઈ કે, આ બનાવ કેમ બનેલો છે ?
તે બાબતે કોઈપણ સાહેદે લેશમાત્ર પુરાવો રજુ કરેલ નથી. આરોપીનો ઈરાદો ગુજરનારને મારી નાંખવાનો હતો તેમ સાબીત કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ છે. મહત્વના સાહેદ તરીકે મરણજનાર સતીષના પત્ની રાખીબેનને તપાસવામાં આવેલ. જેના ઉપર ફરીયાદપક્ષનો સમગ્ર કેસ આધાર રાખે છે. પરંતુ રાખીબેનનો મૌખીક પુરાવો ઘ્યાને લેવામા આવે તો ફરીયાદપક્ષનો સમગ્ર કેસ શંકાના દાયરામાં આવી જાય છે. જુબાનીમાં આંતરીક વિરોધાભાસો છે. બનાવવાળી જગ્યા અંગે પણ શંકા ઉદભવે છે. આ સમગ્ર બાબત ફરીયાદપક્ષના કેસને શંકાસ્પદ બનાવે છે. આરોપીએ ન તો રાખીબેનને ઈજા પહોચાડેલ હતી ન તો ગુજરનારને ઈજાઓ પહોચાડેલ હતી. જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા ધારદાર દલીલો કરી હતી. જે ધ્યાને લઈ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.પી.મહીડાની કોર્ટે આરોપી ઠાકુરસીંગને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કેસમાં આરોપી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, વિગેરે રોકાયેલ હતા.