(આઝાદ સંદેશ),રાજકોટ: જામનગરમાં વર્ષ 2012માં દેશી દારૂના કેસમાં આરોપીને જામીન પર છુટવા તેમજ તેના મીત્રનું સહઆરોપી તરીકે નામ નહીં ખોલવા તેમજ વાહન કબજે નહીં કરવા બદલ કુલ રૂ.40 હજારની લાંચની માંગણી કરનાર પીએસઆઇ અને કોન્સ્ટેબલને 4-4 વર્ષની જેલ સજા તેમજ રૂા.40-40 હજારનો દંડ ફરમાવતો એસીબી કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદથી વિરૂદ્ધ જુબાની આપવા બદલ ફરિયાદી સામે કોર્ટે નોટીસ કાઢવા આદેશ કર્યો છે. આ કેસની વિગતો મુજબ તા.31-10-2012ના રોજ તત્કાલીન એસીબી પીઆઇ એચ.પી.દોશીને મળીને રાજેન્દ્રસિંહ જાડેજા નામના ફરિયાદીએ પંચકોશી બી ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ દશરથસિંહ ભગુભા ઝાલા તેમજ કોન્સ્ટેબલ મહાવીરસિંહ હેમંતસિંહ વાઢેર દ્વારા ફરિયાદી સામે નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં તેને જામીન ઉપર છુટવાના રૂા.15 હજારની તેમજ ફરિયાદીના મીત્ર જુવાનસિંહનું નામ સહઆરોપી તરીકે નહીં ખોલવા તેમજ તેનું વાહન કબજે નહીં કરવાના બદલામાં રૂા.40 હજારની માંગણી કરી હોવાની ફરિયાદ આપી હતી. જે બાદ એસીબીએ કાર્યવાહી કરીને લાંચના કેસમાં પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને પકડી પાડી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંઘ્યો હતો. આ કેસ અત્રેની ખાસ એસીબી અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ હેમેન્દ્ર ડી.મહેતાની રજૂઆતો તેમજ પુરાવા ઘ્યાને લઇને પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને 4-4 વર્ષની જેલ સજા તેમજ રૂ.40-40 હજારનો દંડ ફરમાવતો આદેશ કર્યો છે.