રવિવાર, સપ્ટેમ્બર 8, 2024

ઈ-પેપર

રવિવાર, સપ્ટેમ્બર 8, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ શહેર-જિલ્લાની શાળાના શિક્ષકો તેમજ આચાર્યોના ઇજાફા, પગારધોરણ સહિતના પ્રશ્નો અટક્યા

રાજકોટ શહેર-જિલ્લાની શાળાના શિક્ષકો તેમજ આચાર્યોના ઇજાફા, પગારધોરણ સહિતના પ્રશ્નો અટક્યા

વયમર્યાદાના કારણે નિવૃત્ત થનારા અનેક શિક્ષકોની દયનિય હાલત, શિક્ષકોના હાયર ગ્રેડ, પેન્શન પેપર વર્ક, ઉચ્ચત્તર પગાર ધોરણ, આર.ટી.ઇ., શિક્ષક સંઘની રજૂઆતો ટલ્લે ચડી : કચેરીના જવાબદાર સ્ટાફ સામે આક્ષેપો કરતી ફરિયાદ કલેકટર સુધી પહોંચી : ડીઇઓની બદલી માટે કચેરીના અમુક સ્ટાફે કામગીરી બંધ કર્યાના આક્ષેપો

(આઝાદ સંદેશ),રાજકોટ : છેલ્લા કેટલાય મહિનાઓથી વિવાદમાં રહેલા રાજકોટના ડીઇઓ નીલેશ રાણીપાથી શૈક્ષણિક આલમના અમુક સંચાલકો, આચાર્યો ત્રાહિમામ પોકારી ઉઠ્યાની શિક્ષણ જગતમાં ચર્ચા ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડીઇઓ નીલેશ રાણીપા સતત વિવાદમાં રહ્યા છે ત્યારે શૈક્ષણિક સંઘના અમુક આગેવાનો દ્વારા ડીઇઓ કામ કરતા નથી, શિક્ષકોના પડતર પ્રશ્ર્નો લાંબા સમયથી પેન્ડિંગ છે તે બાબતની અનેક ફરિયાદો રાજ્યના શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ ડીઇઓ નીલેશ રાણીપાએ જ્યારથી રિવર્ઝન માંગી લીધુ છે ત્યારથી તે ફરજમાં નિષ્ક્રિય બની ગયાના આક્ષેપો વહેતા થયા છે. દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લાના અમુક શૈક્ષણિક જગત સાથે જોડાયેલા શિક્ષકો અને આચાર્ય તથા શૈક્ષણિક સ્ટાફે જિલ્લા કલેકટરને લેખીતમાં ફરિયાદ કરી છે તેમાં દર્શાવ્યું છે કે, ડીઇઓ નીલેશ રાણીપાની બદલી માટે ડીઇઓ કચેરીના સ્ટાફે કામગીરી બંધ કરીને શિક્ષક સંઘોના તેમજ શાળા સંચાલકોના પડતર પ્રશ્ર્નો અટકાવ્યા છે. ઉપરોકત આક્ષેપોમાં કેટલું તથ્ય છે ? તે તપાસનો વિષય છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટના ડીઇઓ નીલેશ રાણીપા બદલી કરાવવાના પ્રયાસો કરી રહ્યાની અટકળો વહેતી થઇ છે ત્યારે તાજેતરમાં એક પત્ર વાયરલ થયો છે તેમાં ચોંકાવનારા આક્ષેપો કચેરીના સ્ટાફ સામે પણ કરાતા ભારે વિવાદ સર્જયો હોવાનું જાણવા મળ્યું છે.
ડીઇઓ બદલી કરાવવા માંગતા હોવાથી ઉચ્ચ કક્ષાએ તેમના વિરુદ્ધ વધારે ફરિયાદ થાય તેવા પ્રયાસ કરતા હોવાના પણ રાણીપા સામે આક્ષેપો ઉપરોકત ફરિયાદમાં કરવામાં આવ્યા છે. રાજકોટની જિલ્લા શિક્ષણ કચેરીમાં રોજીંદી મહત્વની કામગીરી જેવી કે ઇજાફા, ઉચ્ચત્તર પગાર ધોરણ, નિવૃત્તિના પેન્શન કેસ, આરટીઆઇ, શિક્ષક સંઘની રજૂઆતો વિગેરે બાબતોમાં ચાર મહિનાથી કોઇ કામગીરી થતી ન હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ પહોંચી છે. વધુમાં ઉપરોકત પત્રમાં ચોંકાવનારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે ડીઇઓ કચેરીનો અમુક સ્ટાફ ડીઇઓના માર્ગે ચાલીને શાળાના આચાર્યના કે શાળા સંચાલકોને પણ ગાંઠતા નથી. મોબાઇલ કોલ ઉપાડતા જ નથી.

વયમર્યાદાના કારણે નિવૃત્ત થનારા શિક્ષકોના પ્રશ્ર્નોની કાર્યવાહી ઠપ્પ થઇ ગઇ?
રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના વયમર્યાદાના કારણે નિવૃત્ત થનારા શિક્ષકોના હાયર ગ્રેડ પેન્શન પેપરવર્ક, ઇજાફા, પગાર ધોરણ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કોઇ કાર્યવાહી થતી નથી. છેલ્લા ચાર મહિનાથી સતત અખબારોમાં રાજકોટની ડીઇઓ કચેરી અવાર-નવાર ઝળકતી રહે છે. ડીઇઓની બદલી કરાવવા માટે રાજકોટ જિલ્લાના પ્રશ્ર્નો ટલ્લે ચડાવવામાં આવતા હોવાના શિક્ષક વર્તુળોમાંથી આક્ષેપો થઇ રહ્યા છે. તાકીદે રાજકોટની શાળા, આચાર્યો તેમજ નિવૃત્ત શિક્ષકોના હિતમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને ડીઇઓ કચેરીના જવાબદાર કર્મચારી ફોન રિસિવ્ડ કરે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર