સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ મહાપાલિકાનું અહો…આશ્ચર્યમ… રસ્તાના ખાડા બુરવાને બદલે ચોમાસામાં પેવિંગ બ્લોક લગાવવાનું શરૂ

રાજકોટ મહાપાલિકાનું અહો…આશ્ચર્યમ… રસ્તાના ખાડા બુરવાને બદલે ચોમાસામાં પેવિંગ બ્લોક લગાવવાનું શરૂ

રૈયા રોડ ઉપર કનૈયા ચોકથી બ્રહ્મસમાજ તેમજ હનુમાનમઢી તરફના એક બાજુના રસ્તાની દુકાનો પાસે નવા પેવિંગ બ્લોક ઉપાડી બીજા લગાવાય છે…!

લાખના બાર હજાર કરતું કોર્પોરેશન, કોના બાપની દિવાળી…?, તદ્દન નવી પેવિંગ બ્લોક ફૂટપાથ ઉપર હોવા છતાં તેને કાઢી નખાતા અનેક તર્ક-વિતર્ક…!

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ મહાપાલિકા દ્વારા કોન્ટ્રાકટરોને ખટાવવાનો ખતરનાક ખેલ ખેલાઇ રહ્યો છે. શહેરમાં એક તરફ વરસાદના પગલે જાહેર માર્ગો ઉપરના પડેલા મસમોટા ગાબડાં, ખાડા બુરવાની કામગીરી બાજુએ રાખી કોર્પોરેશન દ્વારા ચોમાસામાં પેવિંગ બ્લોકની કામગીરી શરુ કરી દેતાં શહેરીજનોમાં ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. સામાન્ય રીતે ચોમાસામાં રોડ-રસ્તાની કામગીરી થતી નથી, ફકત ખાડા બુરવાનું શકય છે પરંતુ કોર્પોરેશન દ્વારા મોટાભાગે શહેરના બ્રહ્મસમાજ અને રૈયા રોડના કોન્ટ્રાકટરને ખટાવવા જ આવી કામગીરી અવાર-નવાર સોંપાય છે તેવા આક્ષેપો શહેરીજનોમાંથી ઉઠી રહ્યા છે.
વાત આટલેથી જ અટકતી નથી પરંતુ નવાઇની વાત એ છે કે, રૈયા રોડ ઉપર કનૈયા ચોકથી આગળના ભાગમાં એકતરફ તમામ દુકાનો પાસે પેવિંગ બ્લોક તદ્દન નવી જ દેખાય છે તેમ છતા તેને તોડી સફેદ કલરના પેવિંગ બ્લોક લગાવવા માટે મુખ્ય માર્ગ ઉપર ધૂળ, કપચી, માટી, પેવિંગ બ્લોકના ઢગલાં જોવા મળે છે. કોર્પોરેશન દ્વારા લાખના બાર હજાર કરવાનો કારસો કોણ રચી રહ્યું છે ? પેવિંગ બ્લોક તૂટી ગયા નથી છતાં કેમ નવા નાખવામાં આવે છે ? કોની ભલામણ અને કોને કેટલું કમિશન મળશે ? તેવી ચર્ચાઓ, આક્ષેપો થઇ રહ્યા છે.
અગાઉ પણ છ મહિના પૂર્વે જ રૈયા રોડ, બ્રહ્મસમાજથી હનુમાન મઢીવાળા રસ્તા ઉપર પેવિંગ બ્લોક લગાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ ફૂટપાથ ઉપર તદ્દન નવા અને એક પણ પેવિંગ બ્લોક તૂટેલા દેખાતા ન હોવા છતા જૂના કાઢીને નવા બદલવાની ચેષ્ટા કરવામાં આવી હતી. બીજી તરફ વોર્ડ નં-9માં શાંતિનિકેતન પાર્ક, રામેશ્ર્વરથી નાણાવટી ચોક સુધી અને મીરાનગર મેઇન રોડથી રૈયા સર્કલ તરફ ટ્રીનીટી એપાર્ટમેન્ટના કોમ્પલેક્ષ બહાર એચ.ડી.એફ.સી. બેન્ક પાસે પેવિંગ બ્લોક લગાવ્યા હતા તે તમામ તૂટી ગયા, બેસી ગયા છે. નબળું કામ દેખાઇ આવ્યું છે.

પેવિંગ બ્લોક લગાવ્યા બાદ થોડા જ સમયમાં ફૂટપાથ બેસી જાય છે ? કોણ જવાબદાર…?
રાજકોટ શહેરના વિવિધ રાજમાર્ગો, શેરીઓ અને રહેણાંક વિસ્તારમાં મહાપાલિકા દ્વારા સમયાંતરે પેવિંગ બ્લોક લગાવવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ પેવિંગ બ્લોક લગાવ્યા બાદ થોડા જ સમયમાં ફૂટપાથ બેસી જાય છે અને ખાડો પડી જાય છે. આવા અનેક સ્થળો ઉપર નવી લગાવેલી પેવિંગ બ્લોક તૂટી ગઇ છે. અથવા જે ફૂટપાથના છેડે લગાવી છે તે રસ્તો બેસી ગયાના દ્રશ્ય બહાર આવ્યા છે. આવા નબળાં કામની તપાસ થતી નથી કોન્ટ્રાકટર સામે પગલાં લેવાતા નથી કોન્ટ્રાકટર અને કોર્પોરેટરની સાંઠગાંઠ જવાબદાર ગણાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર