સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છબાંટવા નજીક થયેલી રૂ. 1.15 કરોડની લૂંટના બનાવમાં પોલીસની 9 ટીમોએ શરૂ...

બાંટવા નજીક થયેલી રૂ. 1.15 કરોડની લૂંટના બનાવમાં પોલીસની 9 ટીમોએ શરૂ કરી તપાસ

(આઝાદ સંદેશ), રાજકોટ : અમદાવાદની કલા ગોલ્ડ ફેક્ટરીના બે સેલ્સમેનને બાંટવાના પાજોદથી એક કિલોમીટર દુર ગુરુવારે રાતે 8 વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા શખસોએ છરી વડે હુમલો કરીને કારમાંથી 1697 કિલોગ્રામ સોનું, 8 કિલો ચાંદી, અને 2.66 લાખ રોકડા મળીને કુલ રૂ.1.15.82.000 ની સનસનીખેજ લુંટ કરીને ફરાર થઈ ગયાની ઘટનાના કલાકો પછીયે હજુ ભેદ અકબંધ છે. લુંટારુઓને પકડવા માટે એસપી સહિતનો કાફ્લો દોડી ગયો અને નાકાબંધી કરીને 9 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં દેવદર્શન યોગેશ્વર કુટીર બંગ્લોઝ સી- 501 માં રહેતા યાજ્ઞિક ધર્મેન્દ્ર જોશી ઉ.33 અને તેની સાથે ધનરાજ ભાંગડે નામના બે સેલ્સમેન માણેકચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીમાંથી શેઠ સંજયભાઈ બાલચંદ શાહ પાસેથી સોનાનો સ્ટોક મેળવીને સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા. આઈ ટેન કાર નંબર જીજે. 1. કે.બી. 3919 માં બંને લીંબડી થઈને જૂનાગઢ આવ્યા પછી તાલાલા અને બાદમાં માણાવદર થઈને કુતિયાણા વેપારીઓને મળીને ગઈકાલે સાંજે 7 વાગ્યે બાંટવા તરફ વળ્યા અને પાજોદથી થોડે દુર પહોંચ્યા ત્યારે કારમાં ટેકનીકલ એરરની લાઈટ થતા કાર ઉભી રાખી હતી.અને નીચે ઉતરીને બોનેટ ખોલીને ચેક કર્યું અને ટાયરની હવા ચેક કરી તો ખાલી સાઈડના પાછલા વ્હીલમાં હવા ઓછી હોવાનું જણાતા ટાયર બદલાવવાનું વિચાર્યું હતું. ધનરાજ જેક લગાવતો હતો, અને યાજ્ઞિકભાઈ પાછળ સ્પેર વ્હીલ કાઢવા ગયેલા ત્યારે બાઈક ઉપર આવેલ એક શખસે આવીને શું કરો છો, કહીને ગાળો આપવા લાગતા ધનરાજે ગાળો આપવાની ના પાડતા તે શખ્સે ઝપાઝપી શરુ કરી હતી, જેથી પાછળથી યાજ્ઞિકભાઈ આગળ આવ્યા અને બચાવવા વચ્ચે આવતા અજાણ્યા શખસે છરી કાઢીને ધનરાજને વાંસામાં મારી દીધી હતી. તે અરસામાં પાછળથી અન્ય બે અજાણ્યા શખસો આવ્યા અને છરી બતાવી બન્ને સેલ્સમેનને ગાડીમાં બેસી જવાનું કહ્યું અને કારમાં બેસાડી કારમાં રહેલ થેલો ચેક કરતા તેમાં સોનું- ચાંદી અને રોકડ ભરેલા હતા. તે લુંટીને બાઈક ઉપર બાંટવા તરફ નાસી ગયા હતા, ઘટના પછી બન્ને સેલ્સમેનના મોબાઈલ ઝાડી-ઝાંખરામાં તોડી ફેંકી દીધેલા જેથી તેઓએ બચાવો બચાવોનું બુમો પાડતા આજુબાજુના ખેતરમાંથી અને એક ફોર વ્હિલ ચાલક આવતા તેની મદદથી પોલીસને જાણ કરતા બાંટવા પીએસઆઈ આર.એમ. વાળા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી ગયો હતો.અને તપાસ શરુ કરી હતી, ત્યારે રાતે એસપી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અને મોડી રાતે યાજ્ઞિકભાઈ જોશીની ફરિયાદ પરથી ગુન્હો દાખલ કર્યો હતો, અને આજે ફરીથી એસપી, એલસીબી, ડીવાયએસપી તેમજ એસઓજી સહિતની ટીમો આવી હતી, અને પોલીસે કુલ 9 ટીમો બનાવીને ડોગ સ્કોર્ડ અને એફએસએલની મદદ વડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, છતાં હજુ આરોપીઓના કોઈ સગડ મળી આવ્યા નથી, અને લુંટની ઘટનાનો ભેદ હજુ અકબંધ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર