સરચાર્જ પર પ્રતિબંધ છતાં ગ્રાહકો પર પડી શકે છે બોજ : ૨,૦૦૦ રૂપિયાથી ઓછા ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકોને પણ વેઠવું પડશે નુકસાન
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ટ્રાન્ઝેક્શન માટેના સંશોધિત એમડીઆર ફી માળખાને કારણે ગ્રાહકો પર પરોક્ષ રીતે મોંઘવારીનો બોજ પડી શકે છે, તેવી ચેતવણી આઈઆઈટી બોમ્બેના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. જોકે વેપારીઓને આ ચાર્જ સીધો ગ્રાહકો પાસેથી વસૂલવાની મનાઈ છે, પરંતુ પોતાનો નફો જાળવી રાખવા માટે વેપારીઓ આ વધારાના ખર્ચને સામાન્ય વેચાણ કિંમતોમાં સામેલ કરી શકે છે. પરિણામે, ૨,૦૦૦ રૂપિયાથી ઓછાનું ટ્રાન્ઝેક્શન કરતા સામાન્ય ગ્રાહકોએ પણ આ ખર્ચનો બોજ ઉઠાવવો પડી શકે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો હાલના પ્રસ્તાવિત માળખા મુજબ એમડીઆર લાગુ કરાશે, તો યુપીઆઈ લોકોનો વિશ્વાસ ગુમાવી શકે છે.
રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે વેપારીઓ તમામ પેમેન્ટ મોડ માટે એકસરખી કિંમત રાખતા હોવાથી, ક્રેડિટ કાર્ડ યુઝર્સને મળતા રિવોર્ડ્સ અને ફાયદાઓનો ખર્ચ પરોક્ષ રીતે યુપીઆઈ ડેબિટ કાર્ડ અને રોકડથી ચૂકવણી કરતા ગ્રાહકો ઉઠાવી રહ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં આ પરોક્ષ બોજ ૨૬,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. ડિજિટલ પેમેન્ટ પર ચાર્જ લગાવવા સામે સવાલ ઉઠાવતા રિપોર્ટમાં જણાવાયું છે કે, બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૨૬માં કરંટ અને સેવિંગ્સ ખાતાના ડિપોઝિટમાંથી ૪.૮૪ લાખ કરોડ રૂપિયાનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન કમાયું છે. બેંકોએ આ કમાણીના ૩ ટકા એટલે કે વાર્ષિક ૧૫,૦૦૦ કરોડ રૂપિયા યુપીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે આપવા જોઈએ. આ ઉપરાંત રિપોર્ટમાં મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.
આઈઆઈટી બોમ્બેના રિપોર્ટમાં જણાવાયું છે કે, માત્ર ૫૦ કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઓનલાઈન વેપારીઓ અને વ્યવસાયો પર જ ચાર્જ લગાવવો જોઈએ.સાથે જ ટકાવારી આધારિત એમડીઆરની મહત્તમ મર્યાદા ૩૦૦ને બદલે ૪૦ રૂપિયા સુધી સીમિત રાખવી જોઈએ.ઉપરાંત માઇક્રોફાઇનાન્સ ધિરાણકર્તાઓના હિતમાં લોન ચુકવણી અને ડેટ કલેક્શન ટ્રાન્ઝેક્શનને એમડીઆરમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ. જો કે, સરકારના સંશોધિત માળખા હેઠળ ૨,૦૦૦ રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર ૦.૪૦ ટકા સુધી અને મહત્તમ રૂ. ૩૦૦ એમડીઆર લાગી શકે છે.સરેરાશ એમડીઆર મુજબ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને દર મહિને ૧,૫૦૦ કરોડ અને વાર્ષિક અંદાજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી થઈ શકે છે.


