લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતી રીનાબા સોઢા (ઉ.વ.30)ને દિયર વિજયસિંહ સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ પતિને થઇ ગયા બાદ સંબંધ તોડી નાખ્યો’તો
(આઝાદ સંદેશ), જામનગર : લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતી મહિલાને તેણીના દિયર સાથે પ્રેમ સંબંધની જાણ પતિને થઈ જતા પતિ દ્વારા સમજાવ્યા બાદ પત્ની તેણીના દિયર પ્રેમીનું કાંઇ માનતા ન હોવાથી ખાર રાખી દિયરે પથ્થર વડે હુમલો કરી ભાભીની હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં આવેલા સોસાયટી વિસ્તારમાં અને મુળ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રાજણા ટેકરીના વતની બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા નામના યુવાનની પત્ની રીનાબા (ઉ.વ.30) નામની યુવતી સાથે તેણીના જ દિયર વિજયસિંહ પ્રેમસંગજી સોઢા સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો અને દિયર-ભાભીના પ્રેમ સંબંધની બળવંતસિંહને ખબર પડી જતાં તેની પત્નીને સમજાવ્યા બાદ પત્ની રીનાબા તેણીના દિયરથી દુર રહેવા લાગ્યા હતાં અને ત્યારબાદ દિયર પ્રેમીના કહ્યા મુજબ કંઈ પણ કરતા ન હતાં અને માનતા પણ ન હતાં. આ બાબતનો ખાર રાખી વિજયસિંહે ગત રાત્રિના સમયે તેના ભાભી રીનાબા (ઉ.વ.30) નામની યુવતી ઉપર સોસાયટીની ખુલ્લી જગ્યામાં પથ્થર વડે મોઢા ઉપર તથા કપાળ ઉપર હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ પત્નીની હત્યાની જાણ બળવંતસિંહ દ્વારા કરવામાં આવતા પીઆઈ પી ટી જયસ્વાલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે હત્યારા દિયર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.